મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ કદાચ રણબીર ચાહકોને પ્રભાવિત કરી શક્યો નથી. શમશેરાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ ઓછું થયું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે લગભગ 10 કરોડનો બિઝનેસ કર્યો છે.






શમશેરાના પહેલા દિવસની કમાણી


રણબીર કપૂર ચાર વર્ષ પછી ફિલ્મ શમશેરાથી પડદા પર પાછો ફર્યો છે. આ બિગ બજેટ ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. રણબીર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. શમશેરાને મળેલા રિવ્યુ જણાવી રહ્યા છે કે ચાહકોને ફિલ્મ પસંદ આવી રહી છે.


બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, સારા રિવ્યુ મળવા છતાં શમશેરાએ પહેલા દિવસે બહુ સારું પ્રદર્શન કર્યું નથી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અગાઉ માનવામાં આવી રહ્યું હતું કે રણબીરની આ ફિલ્મ પહેલા દિવસે બીજી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડતી જોવા મળશે. પરંતુ આવું ન થયું. જો કે હજુ એક વીકએન્ડ બાકી છે. તેથી ફિલ્મની કમાણીમાં વધારો થશે તેવી આશા છે.


ભૂલ ભૂલૈયા-2થી પાછળ


રિલીઝ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શમશેરાની પહેલા દિવસની કમાણી કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 2 કરતા વધુ હશે. પરંતુ આવું ન થયું. એક તરફ જ્યાં શમશેરા પહેલા દિવસે માત્ર 10 કરોડનું જ કલેક્શન કરી શકી હતી. તો બીજી તરફ ભૂલ ભુલૈયા 2 એ પહેલા દિવસે 14 કરોડનો બિઝનેસ કર્યો હતો.


આ વર્ષે રિલીઝ થયેલી યશરાજ ફિલ્મ્સની તમામ ફિલ્મો 'જયેશભાઈ જોરદાર', 'સમ્રાટ પૃથ્વીરાજ' અને 'શમશેરા' બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી શકી નથી. આમાંથી પ્રથમ બે ફિલ્મોને ફ્લોપ ફિલ્મો જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 'શમશેરા'નો ખર્ચ આશરે રૂ. 150 કરોડ જણાવવામાં આવી રહ્યો છે, જોકે યશ રાજ ફિલ્મ્સના સૂત્રો જણાવે છે કે કંપનીએ આના કરતાં ઘણો વધુ ખર્ચ કર્યો છે.