Defamation Suit Case: અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ એક્ટ્રેસ  શર્લિન ચોપરા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે શર્લિન ચોપરાને નોટિસ મોકલીને એક સપ્તાહની અંદર માફી માંગવા કહ્યું છે અને જો શર્લિન ચોપરા રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીની માફી નહીં માગે તો 50 કરોડનો માનહાનિનો દાવો અને ફોજદારી દાવો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી દ્વારા દાખલ કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે શર્લિન ચોપરાએ મીડિયા ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યા હતા જેમાં રાજ કુન્દ્રા પર જાતીય સતામણી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શર્લિનએ તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.


નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, "શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા પર લગાવેલા તમામ આરોપો બનાવટી, ખોટા, પાયાવિહોણા અને કોઈ પુરાવા વગરના છે. શર્લિન ચોપરાએ માત્ર બદનામી અને બળજબરી વસૂલીના હેતુથી આરોપો લગાવ્યા છે.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિલ્પા શેટ્ટી જેએલ સ્ટ્રીમ એપનાં મામલામાં ન તો સામેલ છે અને ન તો તેની દેખભાળ કરે  છે. શર્લિન દ્વારા શિલ્પા શેટ્ટીનું  નામ ઉપયોગ કરવાનો હેતુ માત્ર વિવાદ ઉભો કરવાનો અને મીડિયાનું ધ્યાન ખેંચવાનો છે.


શર્લિને પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેણે રાજ કુંદ્રાની JL સ્ટ્રીમ કંપની માટે 3 વીડિયો શૂટ કર્યા હતા, પરંતુ વચન પ્રમાણે તેને પૈસા આપવામાં આવ્યા નહોતા. ફરિયાદમાં એક્ટ્રેસે કહ્યું હતું કે રાજ કુંદ્રા લોકોને ઉઘાડા બતાવ્યા બાદ કલાકારોને પેમેન્ટ કરતો નથી.


શિલ્પા તથા રાજના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, 'શર્લિન ચોપરા જે પણ બોલી રહી છે તેણે તમામ વાતો કાયદામાં રહીને કરવી જોઈએ. મારા ક્લાયન્ટ વિરુદ્ધ પ્રેસ-કોન્ફરન્સ કરવી તે તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે. જાહેરમાં શર્લિન ચોપરાએ કરેલી તમામ વાતો કોર્ટમાં તેની વિરુદ્ધ કરવામાં આવશે. તેની વિરુદ્ધ સિવિલ તથા ક્રિમિનલ પ્રોસિડિંગ હેઠળ કેસ કરવામાં આવશે.'