મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના (Coronavirus)મહામારીમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી(Shilpa shetty)ના પૂરા પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આપી છે.
શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'મારા પરિવાર માટે 10 દિવસ ખૂબ જ મુશ્કેલ હતા. પહેલા મારા સસરા કોરોના વાયરસ(Coronavirus)થી સંક્રમિત થયા. બાદમાં મારા પતિ રાજ, મારા માતા સમીશા અને વિવાન પણ સંક્રમિત થયો હતો. દરેક કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે. તમામ પરિવાર પોત-પોતાના અલગ-અલગ રૂમમાં રહે છે અને ડૉક્ટરની સલાહ પર ચાલી રહ્યા છીએ. આ સાથે જ તેણે કહ્યું તેમના ઘરના બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ શિલ્પા શેટ્ટીએ કહ્યું કે ભગવાનની કૃપા છે દરેક લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. તમામને માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કરવા અને માનસિક રીતે સકારાત્મક થવાનો આગ્રહ કર્યો છે.'
ગત વર્ષે 2020માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને દિકરી આરાધ્યા કોરોનાથી સંક્રમિત થયા હતા. આ વર્ષે અક્ષય કુમાર, ગોવિંદા, આમિર ખાન, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકરન, કેટરીના કૈફ, વિક્કી કૌશલ સહિત અન્ય કલાકારો પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા હતા.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે.