મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. ડ્રગ્સ મામલે એનસીબીના રિમાન્ડમાં રહેલા શૌવિક ચક્રવર્તી અને સેમ્યૂઅલ મિરાંડાએ મોટા ખુલાસા કર્યા છે. એનસીબીના સુત્રોથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, શૌવિકે જણાવ્યુ કે, રિયા તેને ડ્રગ્સ મંગાવવા માટે પૈસા આપતી હતી, એટલુ જ નહીં આ ડ્રગ્સ માટેના પૈસા સુશાંતના એકાઉન્ટમાંથી કાઢવામાં આવતા હતા. એનસીબી પાસે આના પુરેપુરા સબૂતો છે.


સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સેમ્યૂઅલ મિરાંડાએ શૌવિકના આ ડ્રગ્સવાળા નિવેદન પર સહમતિ દર્શાવી છે. સેમ્યૂઅલે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે તેને પણ પૈસા રિયા આપતી હતી. શૌવિક અને મિરાંડા સાથે પુછપરછ ચાલુ છે, તેમની પુછપરછમાં તે ડ્રગ ડીલરની માહિતી લેવામાં આવી રહી છે, જેની પાસેથી શૌવિક ડ્રગ્સ લેતો હતો.

ઉલ્લેખનીય છે કે, એનસીબી બે દિવસ પહેલા રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડાની ધરપકડ કરી હતી, અને એનડીપીએસ કોર્ટમા શનિવારે હાજર કર્યા હતા. એનસીબીએ કોર્ટ પાસે બન્નેના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે બન્નેના ચાર દિવસના જ રિમાન્ડ આપ્યા છે, એટલે કે બન્ને નવ સપ્ટેમ્બર સુધી એનસીબીના રિમાન્ડમાં રહેશે.