Sonu Nigam Attacked in Mumbai: બોલિવૂડ સિંગર સોનુ નિગમ અને તેના મિત્ર રબ્બાની મુસ્તફા ખાન પર કથિત રીતે હુમલો થયો છે. આ હુમલો મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક શો દરમિયાન થયો હતો. સોનુ નિગમના મિત્ર રબ્બાની મુસ્તફા ખાનને વધુ ઈજાઓ થઈ છે. જ્યારે ખાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે સોનુ નિગમ પણ તેની સાથે હતો. આ પછી સોનુ નિગમ પોતાનું નિવેદન નોંધવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.






ગંભીર રીતે ઇજાગ્રસ્ત રબ્બાની સ્વર્ગસ્થ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનો પુત્ર છે, જે સોનુ નિગમના માર્ગદર્શક હતા. રબ્બાની અને સોનુ ખૂબ જ નજીકના મિત્રો હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે કેમ્પના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્રએ તેના સાથીઓ સાથે મળીને સોનુ નિગમ અને ખાન પર કથિત રીતે હુમલો કર્યો હતો. એક સૂત્રએ જણાવ્યું કે સોનુને ધક્કો મારવામાં આવ્યો હતો પરંતુ તેને સામાન્ય ઈજા થઈ હતી.






નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસથી સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર વતી 'ચેમ્બુર ફેસ્ટિવલ' ચાલી રહ્યો હતો. સોમવાર (20 ફેબ્રુઆરી) કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. જ્યારે સોનુ નિગમ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્રએ કથિત રીતે સોનુના મેનેજર સાઈરાજ સાથે ગેરવર્તણૂક કરી હતી.






પર્ફોર્મન્સ બાદ જ્યારે સોનુ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે ધારાસભ્યના પુત્રએ ઉતાવળમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સોનુના બોડીગાર્ડ હરીએ તેને મેનર્સ સાથે સેલ્ફી લેવાની સૂચના આપી. ધારાસભ્યના પુત્રએ ગુસ્સામાં આવીને હરિને ધક્કો માર્યો હતો. આ દરમિયાન તેણે સોનુ નિગમને પણ ધક્કો માર્યો હતો. બોડી ગાર્ડ હરીએ તરત જ સોનુને પકડી લીધો અને તેને પડતો બચાવ્યો. આ પછી ધારાસભ્યના પુત્રએ રબ્બાની મુસ્તફા ખાનને ધક્કો માર્યો હતો, જેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.






કેવી છે સોનુ નિગમની હાલત?


નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, સોનુ નિગમ સંપૂર્ણપણે ઠીક છે, તેને કંઈ થયું નથી, પરંતુ તેને એટલો જોરથી ધક્કો મારવામાં આવ્યો કે તે થોડીવાર ત્યાં બેસી રહ્યો. હાલમાં સોનુ નિગમે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. તે સિવાય પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ પણ નોંધાવી નથી.