Jayant Savarkar Dies: મરાઠી અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા જયંત સાવરકરનું સોમવારે સવારે વય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જયંત સાવરકરના પુત્ર કૌસ્તુભ સાવરકરે પિતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.
જયંત સાવરકરે લગભગ છ દાયકા સુધી મરાઠી અને હિન્દી ફિલ્મો તેમજ થિયેટર અને ટેલિવિઝન જેવા ક્ષેત્રોમાં અભિનય કર્યો. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'હરિ ઓમ વિઠ્ઠલ', 'ગડબ઼ડ ગોંધલ', '66 સદાશિવ' અને 'બકાલ', 'યુગપુરુષ', 'વાસ્તવ' અને 'સિંઘમ' વગેરેનો સમાવેશ થાય છે.
કૌસ્તુભે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'લગભગ 10-15 દિવસ પહેલા તેમને લો બ્લડ પ્રેશરને કારણે થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે સવારે લગભગ 11 વાગ્યે તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રી છે. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.
તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તેઓ થિયેટરની દુનિયામાં એક સેલિબ્રિટી પણ હતા. તેમના જવાથી સિને જગત માટે મોટી ખોટ છે.
જયંત સાવરકરે તેમની છ દાયકા લાંબી કારકિર્દીની સફરમાં અનેક મરાઠી અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી સિનેમામાં જ્યાં તેણે 'હરિ ઓમ વિઠ્ઠલા', 'ગ઼ડબડ ગોંધલ', '66 સદાશિવ' અને 'બકાલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું તો હિન્દી સિનેમામાં તેણે 'યુગપુરુષ', 'વાસ્તવ' અને 'સિંઘમ' જેવી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી. આ સિવાય તેણે ઘણા મરાઠી નાટકોમાં પણ કામ કર્યું હતું. જયંત સાવરકર મરાઠી ભાષાની વેબ સિરીઝ 'સમંતર'માં જ્યોતિષની ભૂમિકા ભજવવા માટે પણ જાણીતા છે. આ સિરીઝ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.
આ વર્ષે 21 મેના રોજ જયંત સાવરકરને અંબરનાથ મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ (AMFF)માં જીવન ગૌરવ સન્માન આપવામાં આવ્યું હતું. સાવરકરે રંગભૂમિની દુનિયામાં પણ કામ કર્યું હતું. જયંત સાવરકરને થિયેટરની દુનિયામાં તેમના યોગદાન બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નટવર્ય પ્રભાકર પાનશીકર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
https://t.me/abpasmitaofficial