Adipurush Controversy Row: દાયકાઓ પહેલા દીપિકા ચીખલિયાએ રામાનંદ સાગરની રામાયણમાં 'સીતા'ની ભૂમિકા ભજવીને દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. લોકો તેને સાક્ષાત માતા સીતા તરીકે પૂજવા લાગ્યા હતા. બીજી તરફ ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 'આદિપુરુષ'ના વિવાદ પર 'રામાયણ'ની 'સીતા'એ હવે મૌન તોડ્યું છે. એક નવા ઇન્ટરવ્યુમાં દીપિકાએ તાજેતરમાં રિલીઝ થયેલી પ્રભાસ અને કૃતિ સેનન-સ્ટારર ફિલ્મ વિશે જણાવ્યું હતું કે હિંદુ મહાકાવ્ય સાથે કોઈ પણ ચેડાંને ટીકાનો સામનો કરવો પડશે.


દીપિકાએ એમ પણ કહ્યું હતું કે હિંદુ મહાકાવ્ય મનોરંજન માટે નથી, અને ફિલ્મ નિર્માતાઓએ દર થોડા વર્ષોમાં નવી વિવિધતાઓ સાથે રામાયણને લાવવાનું ટાળવું જોઈએ. આદિપુરુષ એ રામાયણનું ભવ્ય બહુભાષી પુન: કથન છે. તેના સંવાદ, બોલચાલની ભાષા અને હિંદુ મહાકાવ્યના કેટલાક પાત્રોના ખોટા અર્થઘટન માટે તેની ટીકા કરવામાં આવી રહી છે.


રામાયણ મનોરંજન માટે નથી


દીપિકા ચિખલિયાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "દર વખતે તે સ્ક્રીન પર પાછા આવશે, પછી તે ટીવી હોય કે ફિલ્મ, તેમાં કંઈક એવું હશે જે લોકોને દુઃખ પહોંચાડશે કારણ કે તમે રામાયણની પ્રતિકૃતિ બનાવવાના નથી જે અમે બનાવી છે. મને સૌથી વધુ એ વાતનું દુખ છે કે શા માટે આપણે દર બે વર્ષે રામાયણ બનાવવાનો સતત પ્રયાસ કરીએ છીએ? રામાયણ મનોરંજન માટે નથી. આ કૈંક એવું છે જેમાંથી તમે કૈંક શીખો છો. આ એક પુસ્તક છે. જે પેઢીઓથી ચાલી આવ્યું છે અને આ જ આપણાં સંસ્કાર છે.


દીપિકાએ 'આદિપુરુષ' કેમ ન જોઈ?


દીપિકા ચીખલીયાએ હજુ સુધી ફિલ્મ આદિપુરુષ જોઈ નથી. આ અંગે તેણે કહ્યું કે આ ફિલ્મની આસપાસ નકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે અને તેથી તે તેને જોવાનું પણ વિચારી રહી નથી. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે આ સમયે મારે કહેવા માટે કંઈ નથી. લોકો મારી પાસે આવીને તેના વિશે પૂછે છે. પરંતુ મને તેના વિશે કોઈ ખ્યાલ નથી.


'આદિપુરુષ'ને લઈને શા માટે છે વિવાદ?


તમને જણાવી દઈએ કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' રામાયણનું ભવ્ય બહુભાષી રીટેલિંગ છે. જોકે, પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ફસાયેલી છે. તે તેના સંવાદ, બોલચાલની ભાષા અને હિંદુ મહાકાવ્યના કેટલાક પાત્રોના ખોટા અર્થઘટન માટે ટીકા હેઠળ આવી છે. તેના પર પ્રતિબંધ મુકવાની માંગ પણ ઉઠી રહી છે.