Sushant Singh Rajput Case: દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને મોટો ખુલાસો થયો છે. અભિનેતાના મૃત્યુના બે વર્ષ બાદ એક મોટી માહિતી સામે આવી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારીએ અભિનેતાના મૃત્યુને હત્યા ગણાવી છે. કર્મચારીના કહેવા પ્રમાણે, જે હાલતમાં સુશાંતનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો તે જોતા તેને આત્મહત્યા કહેવું મુશ્કેલ હતું.
હોસ્પિટલના કર્મચારીનો દાવો હતો કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પોસ્ટમોર્ટમ દરમિયાન તે તે જ જગ્યાએ હાજર હતો અને તેણે જે જોયું તેનાથી ખબર પડી કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી.
સુશાંતના શરીર પર ઈજાના નિશાન હતા
મુંબઈના પોસ્ટમોર્ટમ હાઉસ (પોલીસ સ્ટેશન)માં કામ કરતા કર્મચારી રૂપ કુમાર શાહે એક ઈન્ટરવ્યુમાં સુશાંતના મૃત્યુને હત્યા ગણાવી છે. શાહે દાવો કર્યો હતો કે, અભિનેતા સુશાંતનું મૃત્યુ આત્મહત્યાથી નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. શાહે એમ પણ કહ્યું હતું કે, સુશાંતના શરીર અને ગરદન પર ભાગ પર ગંભીર ઈજાના નિશાન હતાં. રૂપકુમાર શાહે કહ્યું હતું કે, હત્યા અને આત્મહત્યામાં ઘણો તફાવત હોય છે. મૃતદેહ જોતા જ ખબર પડે છે કે આ હત્યા છે કે આત્મહત્યા. સુશાંતના ગળા પર નિશાન હતા. તે હત્યા જેવું જ લાગતું હતું. શરીર પર ગડદાપાટુના મારવામાં આવ્યા હોય તેવા નિશાન હતાં. શરીર પર ઉઝરડા હતા. આત્મહત્યા કરનાર વ્યક્તિના ચહેરા પર પંચના નિશાન નથી હોતા જેવા કે સુશાંતના ચહેરા પર હતા.
સુશાંતની આત્મહત્યા પર સવાલ ઉઠાવતા તેણે કહ્યું હતું કે, સુશાંત એક મહાન કલાકાર હતો. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને જો તેણે આત્મહત્યા કરી હોત તો અમે તેના મૃતદેહને યોગ્ય રીતે સંભાળ્યો હોત. આખરે એક વ્યક્તિ કેવી રીતે પોતાના જાતે જ માર મારીને પોતાને ફાંસી લગાવી શકે છે?
અધિકારીઓએ મૃતદેહની વીડિયોગ્રાફી જ નહોતી કરી
રૂપકુમાર શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચ મૃતદેહો વચ્ચે એક VIP મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં આવ્યો હતો, કપડા ખોલીને અમે જોયું કે તે અભિનેતા સુશાંત સિંહનો મૃતદેહ હતો. મૃતદેહને જોયા બાદ એવું લાગ્યું કે સુશાંત સિંહનો કેસ હત્યાનો કેસ છે. તે આત્મહત્યાનો નથી. ગળું જોયા બાદ મને લાગ્યું કે, આ ઘટના આત્મહત્યાની નથી. પગ અને હાથ પર પણ માર મારવાનાના નિશાન હતા. તેણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, સુશાંતના શરીરની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. સુશાંતને ન્યાય મળવો જોઈએ. સુશાંતનો ફોટો જોઈને લાગ્યું હતું કે આ હત્યા છે.
સુશાંતનું મૃત્યુ રહસ્ય જ રહ્યું
'કાઈ પો છે' અને 'એમએસ ધોની' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર સુશાંત સિંહ રાજપૂતનું 2021માં મૃત્યુ થયું હતું. અભિનેતાનું મૃત્યુ ચાહકો માટે આજે પણ એક રહસ્ય છે. જોકે, મુંબઈ પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવીને બંધ કરી દીધો છે, પરંતુ ઘણા લોકો અભિનેતા માટે ન્યાય ઈચ્છે છે. આજે પણ સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો તેના મૃત્યુ માટે બોલિવૂડ માફિયાઓને જવાબદાર માને છે. અભિનેતાના મૃત્યુ પછી, ફિલ્મ ઉદ્યોગમાં ભત્રીજાવાદ વિશે લાંબી ચર્ચા ચાલી હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ સ્કેનર હેઠળ આવી હતી અને આ કેસમાં તેણે લગભગ 28 દિવસ લોક-અપમાં વિતાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020ના રોજ, સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાંદ્રા સ્થિત તેના ઘરમાંથી તેની લાશ મળી આવ્યા બાદ બોલિવૂડ ગેંગ પર મોટો સવાલ ઉભા થવા લાગ્યા હતા. તેને હત્યા ગણાવીને અનેક લોકોએ તપાસની માંગ ઉઠાવી હતી. આ મામલામાં સુશાંતના પરિવારજનોની ફરિયાદ પર રિયા ચક્રવર્તી પર સવાલો ઉભા થયા હતાં. તપાસમાં ખુલાસો થયો છે કે કેવી રીતે રિયા અને તેનો ભાઈ શોવિત સુશાંતને ડ્રગ્સ આપવાનું કામ કરતા હતા.