Taarak Mehta Amit Bhatt Health Update: ટોચની કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચસમા'નો જાણીતો ચહેરો ચંપક કાકા એટલે કે અમિત ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા અહેવાલ સામે આવ્યા હતાં કે, અમિત ભટ્ટ સીરિયલના શૂટિંગ દરમિયાન સેટ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને બેડ રેસ્ટ પર છે. આ મામલે ખુદ અમિત ભટ્ટે પોતે જ મૌન તોડ્યું છે.


અમિત ભટ્ટે જાતે જ તેમના ચાહકોને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. 'ચંપક ચાચા' એટલે કે અમિત ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી પોતાની તબિયત વિશે અપડેટ આપ્યું છે. આ સાથે તેમણે મીડિયામાં ચાલી રહેલી અનેક પ્રકારની અટકળોનું પણ ખંડન કર્યું છે. વીડિયોમાં અમિત ભટ્ટ તેમની ઓફિસની ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અમિત ભટ્ટ કહી રહ્યાં છે કે, કેમ છો બધા? હું એકદમ ઠીક છું. હું આપ સૌની સામે જ છું. બે દિવસથી સોશિયલ મીડિયા અને માધ્યમોમાં એવી ઘણી વાતો ફરી રહી છે કે ચંપક ચાચાનો ગંભીર રીતે અકસ્માત થયો છે.


અભિનેતાએ કહ્યું હતું કે, હું સૌ કોઈને કહેવા માંગુ છું કે આવું કંઈ જ નથી. સેટ પર એક દ્રશ્ય હતું જેમાં સોઢીની જીપનું ટાયર નિકળે જાય છે અને અમે બધા તેની પાછળ દોડીએ છીએ. બરાબર ત્યારે જ આ ટાયર ઉછળીને મારા ઘૂંટણમાં અથડાય છે, જેના કારણે સમાન્ય ઈજા થઈ છે, જે ટૂંક સમયમાં જ ઠીક થઈ જશે.






અમિત ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું છે પરંતુ હવે હું ટૂંક સમયમાં જ શૂટિંગ પર પાછો ફરીશ. હું બધાને ખુબ મિસ કરી રહ્યો છું. અભિનેતાના આ વીડિયોએ માધ્યમોમાં ચાલી રહેલી તમામ અફવાઓને ફગાવી દીધી છે.


શોને 14 વર્ષ પૂરા થયા


તારક મહેતા શોની વાત કરીએ તો આ ટીવી સૌથી લાંબો ચાલનાર શો બની ગયો છે. શો માટે ચાહકોનો ક્રેઝ સાતમા આસમાને છે. દર્શકો દરેક પાત્રને પૂરો પ્રેમ આપે છે. આ શોમાં અમિત ભટ્ટનું ચંપક ચાચાનું પાત્ર પણ ચાહકોનું ફેવરિટ છે. શોમાં ચંપક ચાચા અને જેઠાલાલની બોન્ડિંગ દરેકને પસંદ આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ તાજેતરમાં 14 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે. આ ખાસ અવસર પર સમગ્ર ટીમે કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરી હતી.