Khushi Kapoor-Ibrahim Ali Khan Film: દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂરે તાજેતરમાં 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ખુશીની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ખુશીના હાથમાં બીજી મોટી ફિલ્મ આવી ગઈ છે અને તે આ ફિલ્મમાં સારા અલી ખાનના ભાઈ અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ખાસ વાત એ છે કે આ રોમ-કોમ ફિલ્મના મેકર કરણ જોહર છે.
ખુશી કપૂરે ઈબ્રાહિમ અલી ખાન સાથે ફિલ્મ સાઈન કરી છે ?
પિંકવિલાના અહેવાલ મુજબ, એક સૂત્ર પાસેથી માહિતી મળી છે કે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશીએ એક ફિલ્મ સાઇન કરી છે અને આ પ્રોજેક્ટનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સીધી ડિજિટલમાં રિલીઝ થશે. અહેવાલ અનુસાર, સૂત્રએ જણાવ્યું હતું કે, “તેમની ડિજિટલ વિંગ, Dharmatix દ્વારા નિર્મિત ડાયરેક્ટ-ટુ-ડિજિટલ પ્રોજેક્ટ તરીકે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે અને તેનું નિર્દેશન શૌના ગૌતમ કરશે. નિર્માતાઓ સ્ટ્રીમિંગ અધિકારો માટે અગ્રણી OTT પ્લેયર સાથે વાતચીત કરી રહ્યા છે. "જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કોણ છે શૌના ગૌતમ ?
દિગ્દર્શક તરીકે પદાર્પણ કરવા તૈયાર રહેલી શૌના ગૌતમે કેટલાક મોટા બેનરની બોલિવૂડ ફિલ્મોમાં એડી તરીકે કામ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં, તે રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે સંકળાયેલી અને 2018 માં તે રાજુ હિરાનીના માર્ગદર્શન હેઠળ AD તરીકે રણબીર કપૂર સ્ટારર સંજુનો ભાગ હતી.
ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મ
સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પહેલેથી જ તેના અભિનયના ડેબ્યૂ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈબ્રાહિમ કાજોલ સાથે એક રોમાંચક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વિગતો હાલ માટે ગુપ્ત રાખવામાં આવી છે.
ખુશી કપૂરની ડેબ્યુ ફિલ્મ
ખુશીએ હાલમાં જ ધ આર્ચીઝમાં ડેબ્યુ કર્યું છે. જોકે, ઈન્સ્ટાગ્રામ પર તેની પહેલેથી જ મોટી ફેન ફોલોઈંગ છે. આ ફિલ્મમાં ખુશીની સાથે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના દિકરી શ્વેતા બચ્ચના દિકરા અગસ્ત્ય નંદા પણ જોવા મળ્યો હતો.