Tiku Talsania Hospitalized: જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ હવે તેમના પરિવારે તેમની તબિયત વિશે વાત કરી છે. ટીકુ તલસાણિયાના પત્ની દીપ્તિ તલસાનિયાએ ખુલાસો કર્યો છે કે અભિનેતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે.
એનડીટીવી સાથે વાત કરતા દીપ્તિ તલસાનિયાએ ટીકુ તલસાણિયા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું- 'તેમને હાર્ટ એટેક નથી આવ્યો, પરંતુ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ એક ફિલ્મ સ્ક્રિનિંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે રાત્રે સ્ક્રિનિંગ વખતે અભિનેતા રશ્મિ દેસાઈને મળ્યા હતા
તમને જણાવી દઈએ કે ટીકુ તલસાણિયા ગઈકાલે રાત્રે એક ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રશ્મિ દેસાઈ તેમને પગે લાગતી જોવા મળી રહી છે. આ પછી બંને એકબીજા સાથે વાત કરતા અને કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે.
ચાર દાયકા લાંબી કારકિર્દીમાં, ટીકુ તલસાણિયાએ 'એક સે બઢકર એક', 'હુકુમ મેરે આકા', 'ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ', 'પ્રીતમ પ્યારે ઔર વો' અને 'સાજન રે ઝૂઠ મત બોલો' જેવા કેટલાક શાનદાર ટીવી શોમાં કામ કર્યું છે. ફિલ્મોની વાત કરીએ તો, 'દિલ હૈ કી માનતા નહીં', 'બોલ રાધા બોલ', 'અંદાઝ અપના અપના', 'ઇશ્ક', 'દેવદાસ', 'પાર્ટનર', 'ધમાલ', 'સ્પેશિયલ 26', 'સર્કસ' તેમણે જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ટીકુ છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' માં જોવા મળ્યા હતા. આમાં તેમની સાથે રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી, મલ્લિકા શેરાવત, વિજય રાજ અને અર્ચના પૂરણ સિંહ હતા.
ટીકુ તલસાણિયાએ ગુજરાતી નાટકમાં પણ કામ કર્યું છે
1954માં જન્મેલા ટીકુ તલસાણિયાએ 1984માં ટીવી શો 'યે જો હૈ જિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. ટીવી અને ફિલ્મો ઉપરાંત, તેમણે ઘણા ગુજરાતી નાટકો પણ કર્યા છે. ટીકુના અંગત જીવનની વાત કરીએ તો, તેના લગ્ન દીપ્તિ સાથે થયા હતા. તેમને બે બાળકો છે. એક પુત્ર રોહન તલસાણિયા જે એક સંગીતકાર છે. તેમની પુત્રી શિખા તલસાણિયા એક અભિનેત્રી છે અને તેણે વીરે દી વેડિંગમાં કામ કર્યું છે.