નવી દિલ્હીઃ દેશના ઇતિહાસમાં આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાઇ જશે. અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રામ મંદિરની પહેલી ઇંટ એટલે કે 40 કિલોગ્રામની ચાંદીની ઇંટ મૂકીને ભૂમિ પૂજન કરશે. આને લઇને દેશવાસીઓમાં ખુબ ઉત્સાહ છે. દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓને વ્યક્ત કરી રહ્યાં છે.


આ પ્રસંગે ટીવીની લોકપ્રિય સીરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવીને બધાના મનગમતા બનેલા અભિનેતા અરુણ ગોવિલે ખાસ સંદેશ આપ્યો છે. અરુણ ગોવિલે આજના દિવસ માટે ખુશી વ્યક્ત કરી છે. તેમને રામ મંદિર માટે સંઘર્ષ કરનારા રામ ભક્તોને નમન કર્યુ છે.

અરુણ ગોવિલે ટ્વીટર પર લખ્યુ- અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષો સુધી સતત સંઘર્ષ કરનારા વરિષ્ઠજન અને આગળ આ લડાઇને ભૂમિપૂજન સુધી લઇ આવનારા તમામ રામભક્તોને મારુ કોટિ કોટિ નમન છે. તમારા બધાના મહાન પ્રયાસોથી આપણે આ દિવસ જોવાનુ સૌભાગ્ય મળી રહ્યું છે. જય શ્રીરામ..... અરુણ ગોવિલના આ ટ્વીટ પર તેના ફેન્સ જય શ્રી રામના નારા લગાવી રહ્યાં છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.



અરુણ ગોવિલે આ પહેલા શિલાન્યાસને લઇને પણ ટ્વીટ કર્યુ હતુ. તેમને લખ્યું હતુ કે, ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસની પ્રતિક્ષા સમસ્ત માનવ જાતિ કરી રહી છે. અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે જ એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. જય શ્રીરામ......



નોંધનીય છે કે અભિનેતા અરુણ ગોવિલે રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા ટીવી સીરિયલ 'રામાયણ'માં ભગવાન રામનુ પાત્ર ભજવ્યુ હતુ, આ પાત્રને લઇને તેમને ખુબ પૉપ્યુલારિટી મળી હતી.