મોહમ્મદ પયગંબર પર વિવાદીત ટિપ્પણીના કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પ્રથમવાર નુપૂર શર્મા જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. નૂપુર શર્માએ રવિવારે દિલ્હીમાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વોર’ની પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી હતી.






ઇવેન્ટ દરમિયાન નુપૂર શર્માએ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ સાથે જોવા મળ્યા હતા અને કાર્યક્રમમાં હાજર વેક્સિનના વૈજ્ઞાનિકોનો આભાર માનતા કહ્યું હતું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારા પ્રયત્નોને કારણે જ આજે આપણે ભારતીયો જીવિત છીએ. તેમણે આમંત્રણ આપવા બદલ ફિલ્મના આયોજકોની પણ પ્રશંસા કરી અને કહ્યું કે હું ફક્ત એક જ વાત કહીશ - ભારત માતા કી જય!" તેમણે કહ્યું કે ભારત આ કરી શકે છે.            


નોંધનીય છે કે 2022માં એક ટીવી ડિબેટ પર ચર્ચા દરમિયાન વિવાદીત ટિપ્પણી કર્યા બાદ નુપૂર શર્મા પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર છેલ્લે પાંચ જૂન 2022માં ટ્વિટ કરી હતી. તેમણે પોતાની વિવાદીત ટિપ્પણી પર સ્પષ્ટતા કરી હતી અને બિનશરતી પાછી ખેંચી હતી.                       


નુપૂર શર્માની વિવાદાસ્પદ  ટિપ્પણી પર UAE, સાઉદી અરેબિયા, કતાર અને ઈરાન સહિત અસંખ્ય ઈસ્લામિક રાષ્ટ્રો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાદમાં ભાજપે નુપૂર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.તે સિવાય નુપૂર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીનો સ્ક્રીનશોર્ટ શેર કરવાના કારણે પક્ષના દિલ્હી મીડિયા યુનિટના નેતા નવીન કુમાર જિંદાલની પણ પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા ટિપ્પણી કરી કે તે એક પાર્ટીની પ્રવક્તા છે તેનો અર્થ એ નથી કે તે કાંઇ પણ બોલી શકે છે. કોર્ટે ટિપ્પણી કરી કે અમે ટીવી ડિબેટને જોઈ છે તેને ભડકાવવાનો પ્રયત્ન કર્યો પણ તે પછી તેણે જે કહ્યું તે શરમજનક છે. તેણે ટીવી પર આખા દેશની માફી માંગવી જોઈએ.