સલમાન ખાન (Salman Khan) બોલીવુડનો એક સ્ટાર એક્ટર છે જે પોતાના ચાહકોમાં ફિલ્મોની સાથે-સાથે પોતાના દબંગ અંદાજના કારણે પણ ચર્ચામાં રહે છે. સલમાનનો બોલીવુડમાં ઘણો દબદબો જોવા મળતો હોય છે. તો સલમાન કોઈની પણ સાથે પંગો લઈ લેતો હોવાના કિસ્સા પણ બની ચુક્યા છે. જો કે એક વખત ભરી મહેફિલમાં પોતાના જમાનાના દિગ્ગજ એક્ટર રહેલા રાજ કુમારે (Raaj Kumar) સલમાન ખાનની બોલતી બંધ કરી દીધી હતી. 


સલમાન ખાને પોતાના ફિલ્મી કરીયરની શરુઆત વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'બીવી હો તો ઐસી'થી કરી હતી. જેમાં તે સપોર્ટીંગ રોલમાં દેખાયો હતો. જો કે આ ફિલ્મ પછી 1989માં સલમાન સૂરજ બડજાત્યાની ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મથી જ સલમાનને પ્રસિદ્ધી મળી હતી.


રાજ કુમાર સલમાન પર ગુસ્સે થઈ ગયાઃ
મૈને પ્યાર કિયા ફિલ્મની સફળતાને ઉજવવા માટે સૂરજ બડજાત્યાએ એક સક્સેસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં રાજ કુમાર પણ આવ્યા હતા. આ દરમિયાન રાજ કુમારે કહ્યું કે, તેઓ ફિલ્મના બધા સ્ટાર્સને મળવા ઈચ્છે છે. જે બાદ સૂરજ રાજકુમારને સલમાન સાથે મુલાકાત કરવા લઈ ગયા હતા. જ્યારે સલમાન રાજકુમારને મળ્યો ત્યારે એક એવો પ્રશ્ન પુછ્યો જે બાદ રાજ કુમાર ઘણા ગુસ્સે થઈ ગયા હતા.


જણાવી દઈએ કે, આ પહેલાં ક્યારેય સલમાન અને રાજ કુમારની મુલાકાત નહોતી થઈ. જ્યારે બંને પહેલી વખત મળ્યા ત્યારે સલમાને રાજ કુમારને પુછ્યું કે, 'તમે કોણ છો?' ઉલ્લેખનીય છે કે, રાજ કુમાર ફિલ્મ ઈંડસ્ટ્રીના એક મોટા ગજાના મશહૂર કલાકાર હતા. એવામાં સલમાને તેમને ના ઓળખ્યા. જેનાથી રાજ કુમાર ઘણા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે સલમાનને કહ્યું કે, - 'બેટા તારા અબ્બાને પુછી આવ કે હું કોણ છું.'