Saif Ali Khan Attack Case:બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ આખરે થાણે હિરાનંદાની વિસ્તારમાંથી ઝડપાયો છે... આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી છે અને મુંબઈ પોલીસ આજે 9 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તેના વિશેની બાકીની માહિતી શેર કરશે.

રાત્રે 12ની આસપાસ ક્રાઈમ બ્રાન્ચ અને બાંદ્રા પોલીસને હિરાનંદાની એસ્ટેટમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આરોપીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ ઝોન 6ના ડીસીપી નવનાથ ધબલાને જાણ કરવામાં આવી હતી જેથી આરોપી હાથમાંથી છૂટી ન જાય. ડીસીપીની ટીમ તાત્કાલિક પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગઈ હતી અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ પહોંચી ગઈ હતી પરંતુ આરોપીને પોલીસ આવવાની જાણ થઇ ગઇ હતી.

પોલીસના આગમનની માહિતી મળતાં જ આરોપી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ગીચ કાંટાવાળી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. આરોપી જંગલની અંદર ઝાડીઓમાં છુપાયેલો હોવાથી તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. આવી સ્થિતિમાં ટોર્ચ અને મોબાઈલ ટોર્ચની પણ મદદ લેવી પડી હતી અને ક્રાઈમ બ્રાન્ચ, ડીસીપી નવનાથ અને કાસર વડવલી પોલીસ સ્ટેશન સહિત બાંદ્રા પોલીસ દ્વારા આરોપીને ચારે બાજુથી ઝાડીઓમાં ઘેરી લેવામાં આવ્યો હતો, જેના કારણે આરોપીઓએ ચારે બાજુથી ઘેરાઈ ગયા પછી ભાગવામાં સફળ ન થયો અને તે કાંટાળી ઝાડીઓમાં પકડાઈ ગયો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેમણે તેમનું નામ ખોટુ જણાવતા વિજય દાસ જણાવ્યું હતું. જો કે તેમનું અસલી નામ મોહમ્મદ આલિયાન છે. ધરપકડ બાદ આરોપીને બાંદ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે, આજે બાંદ્રા પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે.                   

શું છે સમગ્ર ઘટના

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે 15 જાન્યુઆરીએ મોડી રાત્રે એક અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો હતો, આ શખ્સ તેમના ઘરમાં ઘૂસ્યો હતો અને પહેલા તેમના મેઇડ અને બાદ સૈફ પર હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં સૈફને એ સમયે તાબડતોબ રીક્ષામાં લીલાવતી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ચાકુની અણી તેમના પીઠમાં ઘૂસી જવાથી સર્જરી કરવી પડી હતી. હાલ તેમની તબિયત સુધારા પર હોવાથી 1 દિવસ બાદ તેમને ડિસચાર્જ કરવામાં આવી શકે છે.