કોરોનાના વૈશ્વિક મહામારીને કારણે વર્ષ 2020 તમામ લોકો માટે મુશ્કેલ બન્યું છે. જોકે સિલિબ્રિટી અને ખાસ કરીને ફિલ્મ હસ્તીઓના સંદર્ભમાં રહીએ આ વર્ષ સૌથી ખરાબ રહયું છે. આ વર્ષના પ્રારંભથી ફિલ્મ ઉદ્યોગે તેના ઘણા સ્ટાર ગુમાવ્યા છે અને તેનાથી ક્યારેય ન ભરાય તેવો શુન્યઅવકાશ ઊભો થયો છે. ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂતથી લઈને રિશી કપૂર જેવા સ્ટારે આ દુનિયાને અલવિદા કરી છે.
ઈરફાન ખાન
ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું. 53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે. મોતના થોડા સમય પહેલા ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ હતી. ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાંસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઋષિ કપૂર
30 એપ્રિલના રોજ ઇરફાનના મૃત્યુના 1 દિવસ પછી ઋષિ કપૂરે વિદાય લીધી હતી. ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2018 માં ઋષિ કપૂરને કેન્સરની ઓળખ થઈ હતી. જે બાદ તેની સારવાર લગભગ 8 મહિના સુધી ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. અગાઉ ન તો ઋષિ કપૂર કે તેના પરિવારે આ રોગનો ખુલાસો કર્યો ન હતો, પરંતુ બાદમાં ઋષિ કપૂરે જાતે આ બિમારી અંગે માહિતી આપી હતી.
સુશાંતસિંહ રાજપૂત
બોલિવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષના જૂનની 14મીએ પોતાના વાંદરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સુશાંતના પિતાએે બિહારના પટણા શહેરમાં સુશાંતની ગર્લ ફ્રેન્ડ મનાતી અભિનેત્રી રિયા ચર્કવર્તીને સુશાંતના કમોત માટે જવાબદાર ગણાવતી પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસની હાલમાં સીબીઆઇ તપાસ ચાલે છે. ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સુશાંતસિંહ રાજપૂતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટા પડદે પોતાની ઉલ્લેખનીય હાજરી નોંધાવી છે. બિહારના પટણામાં જન્મેલા સુશાંતની ફિલ્મી કારકિર્દી સારી ચાલી રહી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે એમ.એસ. ધોની જેવી હિટ ફિલ્મ આપી હતી.
રજત મુખરજી
રોડ, પ્યાર તૂને કિયા અને લવ ઇન નેપાળ જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરનાર રજત મુખરજીનું 17 જુલાઇના અવસાન થયું હતું. તેઓ છેલ્લાં કેટલાક સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. મુખરજીએ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત રામગોપાલ વર્માના નિર્માણમાં બનેલ રોમેન્ટીક થ્રિલર ફિલ્મ પ્યાર તૂને ક્યા કિયાથી કરી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ અને અહીંથી રજત મુખરજી રામ ગોપાલ વર્માની નજરમાં ચઢી ગયા. જેના આગલા જ દિવસે તેમણે રામ ગોપાલ વર્માના જ નિર્માણમાં પોતાની બીજી ફિલ્મ રોડનું નિર્દેશન કર્યુ હતું.
કુમકુમ
વીતેતા જમાની અભિનેત્રી કુમકુમનું 29 જુલાઈ અવસાન થયું હતું. આશરે 115 ફિલ્મમાં કામ કરનારા કુમકુમ 86 વર્ષનાં હતાં. તેમણે ઘણા લોકપ્રિય ગીતોમાં નૃત્ય કર્યું છે. કુમકુમનું ખરું નામ ઝૈબુન્નીસા હતું અને 1954માં ગુરુદત્ત એક ડાન્સર તરીકે તેમને ફિલ્મ ઇન્ડસસ્ટ્રીમાં લઈ આવ્યા હતા અને કભી આર કભી પાર નામનું લોકપ્રિય ગીત આપ્યું હતું. ગુરુદત્તની ફિલ્મ પ્યાસામાં તેમણે કથક ડાન્સરની ભૂમિકા ભજવી હતી. મધર ઇન્ડિયા, સન ઓફ ઇન્ડિયા, કોહિનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફંટુસ, લશ્કર, સીઆઇડી જેવી જાણીતી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું.
સરોજખાન
બોલિવૂડના પીઢ કોરિયોગ્રાફર સરોજ ખાનનું ત્રણ જુલાઈએ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. તેમણે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો હતો. જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતની કેરિયરમાં સરોજખાનની મુખ્ય ભૂમિકા રહી છે. હિંદી સિનેમામાં પી. એલ. રાજૂ, બિરજૂ મહારાજ અને ઉદય શંકર જેવા જાણીતા નૃત્ય નિર્દેશકોના લિસ્ટમાં સરોજખાનનું નામ સન્માનથી લેવાય છે. ફિલ્મ જબ વી મેટમાં સરોજ ખાનને તેમના નૃત્ય નિર્દેશનમાં કરીના કપૂર પર ફિલ્માયેલા ગીત યે ઈશ્ક હાય ને માટે સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. એક અન્ય નેશનલ ફિલ્મ એવોર્ડ સરોજને ફિલ્મ દેવદાસના ગીત ડોલા ડોલા રે ડોલાને માટે પણ મળ્યો હતો. છેલ્લી ફિલ્મ કલંકમાં નિર્દેશન કર્યું હતું. આ સિવાય તેમના હિટ ગીતોમાં અલબેલા સજન આયો રે, બરસો રે મેઘા..., જરા સા ઝૂમ લૂં.., મહેદી લગા કે રખના.. પણ સામેલ છે. સરોજ ખાને જ સિને ડાંસર્સ એસોસિયેશનના બ્રાન્ડ એમ્બેસરનો ખિતાબ મેળવ્યો. 10 વર્ષની ઉંમરથી જ સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું હતુ અને સાથે ફિલ્મોમાં પોતાની કરિયર તેઓએ ગ્રૂપ ડાન્સરની રીતે શરૂ કરી હતી.
Celebrity Deaths 2020: 2020માં કયા કયા સેલિબ્રિટીએ કરી અલવિદા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 03:46 PM (IST)
Celebrity Deaths in 2020: આ વર્ષના પ્રારંભથી ફિલ્મ ઉદ્યોગે તેના ઘણા સ્ટાર ગુમાવ્યા છે અને તેનાથી ક્યારેય ન ભરાય તેવો શુન્યઅવકાશ ઊભો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -