મુંબઈઃ લૉકડાઉન પછી પુનઃ શરૂ થયેલી સબ ટીવીની સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. સિરિયલમાં કેટલાક કલાકારો બદલાઈ રહ્યા છે તો કેટલાક કલાકારો શો છોડીને જવાને કારણે નવા કલાકારોની એન્ટ્રી થવા જઈ રહી છે.

સિરિયલમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતા અભિનેત્રી નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવતા રોશનસિંહ બન્ને કલાકારે શો છોડવાનો નિર્ણય કર્યો છે. હવે શોમાં નેહા મહેતાની જગ્યાએ સુનૈયના ફોઝદાર અંજલિ મેહતાનું પાત્ર ભજવતી જોવા મળશે તો બલવિન્દર સિંહ સુરી સોઢીનાં પાત્રમાં જોવા મળશે.

નવા કલાકારની વાત કરીએ તો સિરિયલમાં થોડા દિવસ પહેલા જ રાકેશ બેદીનું આગમન થયું છે. શોમાં રાકેશ બેદીની તારક મેહતાના બોસ તરીકે એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી આ પાત્ર ખાલી હતું. તેમણે શૂટિંગ શરૂ કરી દીધું છે અને સિરિયલમાં તેમની હાજરી પણ આવી ચૂકી છે.

નેહા મેહતા વ્યક્તિગત કારણોસર શો છોડી રહ્યા છે. બાર વર્ષ સુધી તેમણે અંજલિ મેહતાનું પાત્ર ભજવ્યું છે. ભૂતકાળમાં પણ સિરિયલના ઘણા પાત્રો એક યા બીજા કારણોસર શૉ છોડી ચૂક્યા છે, જ્યારે નવા પાત્રોનું આગમન થતું રહ્યું છે.