મુંબઇઃ સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી વિવાદોમાં ઘેરાઇ છે. સાઇ પલ્લવી તેની અપકમિંગ ફિલ્મ Virata Parvamને લઇને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાઇ પલ્લવીએ કશ્મીરી પંડિતો વિશે કાંઇક એવુ કહ્યું જેનાથી સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઇ ગયો છે.
અભિનેત્રી સામે કેસ નોંધાયો
આ નિવેદન બાદ સાઈ પલ્લવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બજરંગ દળના નેતાઓએ અભિનેત્રી વિરુદ્ધ સુલ્તાન બજાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. સાઈ પલ્લવીએ ઈન્ટરવ્યૂમાં જે પણ કહ્યું તેના પર લોકોમાં ગુસ્સો છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે નિવેદન આપવા ઉપરાંત અભિનેત્રી પર 'ગૌ રક્ષક' પ્રત્યે વિવાદાસ્પદ નિવેદન આપવાનો પણ આરોપ લાગ્યો છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે તેઓ આ વીડિયો જોશે, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આ મામલે કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાઈ પલ્લવીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હત્યાના સીનને મોબ લિંચિંગ સાથે સરખાવ્યા હતા. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ન્યૂટ્રલ એનવાયરનમેન્ટમાં ઉછરી છું. મેં લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ વિશે ઘણું સાંભળ્યું છે. પણ હું કહી શકતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું.
સાઈએ વધુમાં કહ્યું કે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ગાયને લઈને જઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને તેને જય શ્રી રામ બોલવાનું કહેવામાં આવ્યું હતું. આ પણ ધર્મના નામે હિંસા છે. હવે આ બે ઘટનાઓમાં શું તફાવત છે? સાઈ પલ્લવીએ કહ્યું કે તેના પરિવારે તેને હંમેશા સારી વ્યક્તિ બનવાનું શીખવ્યું છે.