મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો પ્રસાર વધતાં જ વિવિધ રાજ્યોની સરકારોએ યુદ્ધસ્તરે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અનેક રાજ્યોમાં સરકારે શાળા, કોલેજો સહિત થિયેટરો બંધ રાખવા આદેશ આપ્યા છે. કોરો વાયરસની અસર બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે અનેક ફિલ્મોની રિલીઝ ડેટ અને શૂટિંગ રોકી દેવામાં આવી છે. ત્યારે હવે વધુ એક ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે. યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘સંદીપ અને પિંકી ફરાર’ની રિલીઝ હાલમાં મોકૂફ રાખવામાં આવી છે.

યશરાજ ફિલ્મ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપના કારણે હાલ દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ‘સંદીપ અને પિંકી ફરાર’ની રિલીઝ ટાળવામાં આવી છે. તમામની સુરક્ષા અને સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે. ” જો કે ફિલ્મની નવી રિલીઝ ડેટની તારીખ જાહેર કરવામાં આવી નથી.



આ પહેલા ફિલ્મ 20 માર્ચે રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે. આ પહેલા અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ની પણ રિલીઝ વાયરસના પ્રકોપના કારણે ટાળવામાં આવી છે.