મુંબઈઃ ભારતમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 600ને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 11 લોકોના આ બીમારીથી મોત થયા છે. 43 દર્દી સાજા થઈ ચુક્યા છે. લોકડાઉન દરમિયાન સેલિબ્રિટીઝ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. આ કડીમાં અમિતાભ બચ્ચનનું પણ નામ ઉમેરાયું છે.

શું લખ્યું બચ્ચને

અમિતાભ બચ્ચને લોકોને લોકડાઉનનું પાલન કરવા વિનંતી કરતી કવિતા લખી છે. બચ્ચને તેમના ટ્વિટર હેન્ડલ પરથી શેર કવિતાના શબ્દો આ પ્રમાણે છે. “હાથ હૈ જોડતે વિનમ્રતા સે આજ હમ, સુને આદેશ પ્રધાન કા, સદા તુમ ઔર હમ, યે બંદિશ જો લગી હૈ, જીવદાયી બનેગી, 21 દિનો કા સંકલ્પ નિશ્ચિત Corona દફનાયેગી.” – અમિતાભ બચ્ચન.

આ પહેલા Big Bએ  મેડિકલ મેગેઝીન ધ લૈંસટના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું હતું માખીના કારણે પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. મહાનાયક અમિતાભ બચ્ચને આ અંગે જાણકારી આપતો વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જે વીડિયોને પ્રધાનમંત્રી મોદીએ પણ રિટ્વિટ કર્યો છે.


વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે, આપણો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે અને આપ તમામે આ લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. કારણ તમે જાણો છો કે તાજેતરમાં ચીનના વિશેષજ્ઞોએ શોધ્યું કે કોરોના વાયરસ માનવ મળમાં અનેક સપ્તાહ સુધી જીવતો રહે છે. કોરોના વાયરસનો દર્દી જો સંપૂર્ણ પણ ઠીક થઈ જાય તો તેના મળમાં કોરોના વાયરસ જીવતો રહી શકે છે.

તેમણે આગળ કહ્યું, જો કોઈ વ્યક્તિના મળ પર માખી બેસે અને આ માખી ખાવાના સામાન પર બેસી જાય તો બીમારી વધુ ફેલાઇ શકે છે. તેથી  આપણે બધા કોરોના વાયરસ સામે લડવા જનઆંદોલન બનાવીએ તે ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું હતું તેવા જ આંદોલનની જરૂર છે.