મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફિલ્મ મેકર કરણ જોહરની આ સપ્તાહમાં મુંબઈ પોલીસ પુછપરછ કરશે. આ વાતની જાણકારી મુંબઈ પોલીસે આપી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સેલેબ્સના નિવેદનો નોંધ્યા છે.


સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કરણ જોહરની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મો બોયકોટ કરવાને લઈને અભિયાન ચાલી રહ્યું હતું. ફેન્સનું માનવું છે કે કરણ જોહર યોગ્ય ટેલેન્ટના બદલે નેપોટિઝ્મને પ્રોત્સાહન આપે છે.



આ સાથે જ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાને પણ સમન્સ મોકલ્યું છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે આજે ફિલ્મકાર મહેશ ભટ્ટની મુંબઈની સાંતાક્રુજ પોલીસે પુછપરછ કરી હતી. મહેશ ભટ્ટ આશરે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેશ ભટ્ટની અંદાજે 2 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ સામેલ છે. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા.