નવી દિલ્હીઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન વિરૂદ્ધ પોલીસે એફઆઈઆર નોંધાવી છે. જાણકારી અનુસાર એક્ટરની પત્ની દ્વારા પોતાની દીકરીને પોલિયોના ટીપા પીવડાવવાની ના પાડ્યા બાદ અભિનેતા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.



પોલીયો ટીમ ફૈઝલ શહેરમાં આવેલ ફવાદ ખાનના ઘરે તેની દીકરીને પોલીયોના ટીપા પીવડાવવા ગઇ હતી પરંતુ આ દરમિયાન તેની પત્નીએ તેનો વિરોધ કર્યો. આ ઉપરાંત ફવાદ ખાનની પત્ની પર પોલીયોની ટીમ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો પણ રોપ છે. હાલમાં ફવાદ ખાન પાકિસ્તાન સુપર લીગ માટે દુબઇમાં છે. ઘટના સમયે તે ઘરે હાજર ન હતો પરંતુ ઘરનો મુખ્ય વ્યક્તિ હોવાના કારણે ફવાદ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.



એફઆઇઆર અનુસાર એક્ટરની પત્નીએ દિકરીને પોલીયો ડ્રોપ્સ આપવાથી ઇનકાર કરી દીધો. સાથે જ પોલીયો ટીમને ધમકી આપી અને તેની સાથે ગેરવર્તણૂક કરી. તેમના ફેમિલી ડ્રાઇવરે પણ પોલીયો ટીમ સાથે ગેરવર્તણૂક કરી. જણાવી દઇએ કે પાકિસ્તાન દુનિયાના 3 દેશોમાંથી એક છે જે પોલીયોની બિમારીથી પ્રભાવિત દેશ છે. પ્રથમ બે દેશોમાં નાઇજીરિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. પોલીયોથી અપંગ થવાનો અથવા મોતનો ખતરો રહે છે.