નવી દિલ્હી: પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની એક્શન -થ્રિલર ફિલ્મ ‘સાહો’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. સાહોએ ચાર દિવસમાં હિંદી વર્ઝનમાં 93 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે, તેની વચ્ચે સાહો વિવાદોમાં પણ સપડાઈ છે. ‘સાહો’ના નિર્માતાઓ પર ફ્રેન્ચ ડાયરેક્ટર જેરોમ સાલેએ તેની ફિલ્મ ‘લાર્ગો વિંચ’ ચોરવાનો આરોપ લગાવ્યો છે.

જેરોમે ટ્વિટર પર એક પોસ્ટ લખીને સાહોના મેકર્સ પર આરોપ લગાવ્યો છે. આ પહેલા એક્ટ્રેસ લીઝા રે એ ફિલ્મ નિર્માતાઓ પર પેન્ટિંગની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો.


જેરોમ સાલેએ ટ્વિટર પર લખ્યું કે, “લાર્ગો વિંચ ની આ સેકન્ડ ફ્રી કૉપી પહેલાની જેમ જ ખરાબ છે. પ્લીઝ તેલુગુ ડાયરેક્ટર્સ જો તમે મારા કામની ચોરી કરો છો તો, કમસે કમ યોગ્ય રીતે કરો. મારું ઈન્ડિયન કેરિયરવાળું ટ્વિટ ખરેખર આયરૉનિક હતું. તેના માટે હું માફી માંગુ છું પરંતુ તેમાં હું કોઈ મદદ નહીં કરી શકું.”


ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટે સુનિલ નામના એક ટ્વિટર યુઝરે જેરોમને ટેગ કરીને એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે દોસ્ત બીજો દિવસ અને તમારી લાર્ગો વિંચ ની વધુ એક ફ્રી કૉપી #Sahoo. તમે સાચા ગુરુ છો. સુનીલના આ ટ્વીટ પર જેરોમે પ્રતિક્રિયા આપી કે મને લાગે છે કે ભારતમાં મારું સારું કેરીયર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2018માં સાઉથના ડાયરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ પર લાગ્રો વિંચની કોપીનો આરોપ લગાવ્યો હતો.