Shanti Niketan Golden Kailas Award: ૧૦મો અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) ઉત્સાહ અને ઉમંગ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો. સમાપન સમારોહમાં જાણીતા કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાને જણાવ્યું હતું કે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, ક્યારેય હાર ન માનવી જોઈએ. આ વર્ષનો પ્રતિષ્ઠિત ગોલ્ડન કૈલાસ એવોર્ડ 'શાંતિનિકેતન' ફિલ્મને એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક દીપાંકર પ્રકાશે ઉપસ્થિત લોકોના તાળીઓના ગડગડાટ વચ્ચે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
વિશ્વભરની વખાણાયેલી ફિલ્મોની આ વાર્ષિક ઉજવણીના સમાપન સમારોહમાં ફરાહ ખાન ઉપરાંત ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઈનર રસૂલ પુકુટ્ટી, મહારાષ્ટ્ર ફિલ્મ, સ્ટેજ અને કલ્ચરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ધનંજય સાવલકર, જાણીતા ડિરેક્ટર અને AIFFના માનદ અધ્યક્ષ આશુતોષ ગોવારિકર સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ફરાહ ખાને આ ફેસ્ટિવલમાં જોડાવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનું આયોજન ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવ્યું છે અને તે સ્થાનિક કલાકારોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આશુતોષ ગોવારીકરે જણાવ્યું હતું કે અહીંના દર્શકો સિનેમા પ્રત્યે અપાર ઉત્સાહ ધરાવે છે અને મરાઠવાડા પ્રતિભાશાળી કલાકારોની ભૂમિ છે. રસૂલ પુકુટ્ટીએ પણ આવા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન મરાઠવાડા જેવા પ્રદેશમાં થઈ રહ્યું છે તેની પ્રશંસા કરી હતી.
ફેસ્ટિવલના ડિરેક્ટર સુનીલ સુકથંકરે જણાવ્યું હતું કે પ્રેક્ષકો, જ્યુરી અને દિગ્દર્શકો સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ રહ્યો અને આ ઉત્સવને સફળ બનાવવા માટે યોગદાન આપનાર દરેકનો તેમણે આભાર માન્યો હતો. કલાત્મક દિગ્દર્શક ચંદ્રકાંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલમાં નાંદેડથી ન્યૂયોર્ક સુધીના ૩૦ શહેરોના અને ૧૮ થી ૮૫ વર્ષ સુધીના દર્શકોએ હાજરી આપી હતી અને ૨૪ દેશોની ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે MGM યુનિવર્સિટીના સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ન્યૂઝલેટર 'MGM ઇન્સ્પાયર'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલનું સમાપન 'ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ' ફિલ્મના સ્ક્રીનિંગ સાથે થયું હતું.
૧૦મો અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪: એવોર્ડ વિજેતાઓ
ગોલ્ડન કૈલાસ એવોર્ડ (શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ): શાંતિનિકેતન (દિગ્દર્શક: દીપાંકર પ્રકાશ)
સિલ્વર કૈલાસ એવોર્ડ (શ્રેષ્ઠ અભિનેતા): નીરજ સૈદાવત (શાંતિનિકેતન)
સિલ્વર કૈલાસ એવોર્ડ (શ્રેષ્ઠ અભિનેત્રી): ભનીતા દાસ (વિલેજ રોકસ્ટાર્સ ૨)
સિલ્વર કૈલાસ એવોર્ડ (શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ): સુભદ્રા મહાજન (સેકન્ડ ચાન્સ)
વિશેષ જ્યુરી ઉલ્લેખ (ભારતીય ફિલ્મો): વિલેજ રોકસ્ટાર્સ ૨ (દિગ્દર્શક: રીમા દાસ)
વિશેષ જ્યુરી ઉલ્લેખ (અભિનેત્રી): નંદા યાદવ (શાંતિનિકેતન)
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (મરાઠવાડા સ્પર્ધા): થોકલા (દિગ્દર્શક: વૈભવ નિર્ગુટ)
MGM શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન (શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ): જાનીવ (દિગ્દર્શક: સ્વપ્નિલ સરોદે)
FIPRESCI ઇન્ડિયા એવોર્ડ (શ્રેષ્ઠ ફિલ્મ): ઇન ધ આર્મ્સ ઓફ ધ ટ્રી (દિગ્દર્શક: બાબક ખાજેપાશા)
ઓડિયન્સ ચોઈસ એવોર્ડ (શ્રેષ્ઠ ફિલ્મ): સવાન્ના એન્ડ ધ માઉન્ટેન (દિગ્દર્શક: પાઓલો કાર્નેરો)
આ પણ વાંચો....
‘સાધુ નહીં, લફંગો હતો...’: IITian બાબાને જુના અખાડામાંથી હાંકી કાઢવા પર આરોપ-પ્રત્યારોપ