મુંબઈઃ દેવ ડી અને સાહિબ બીવી ઔર ગેંગસ્ટર જેવી અનેક ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી માહી ગિલ જ્યારે પોતાની વેબ સીરીઝ ફિક્સરના સેટ પર ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ત્યાં ચાર ગુંડાઓએ અવીને સેટ પર હુમલો કર્યો હતો. મુંબઈ પાસે ઠાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં એક શિપયાર્ડમાં વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન જ્યારે હુમલો થયો, ત્યારે માહી ગિલ ઉપરાંત શોમાં અભિયન કરી રહેલ તિગ્માંશુ ધૂલિયા, ટીવી અભિનેતા શબ્બીર આહલૂવાલિયા પણ હાજર હતા.


ફિલ્મની નિર્માતા એકતા કપૂરે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો અનુસાર, ફિલ્મના લોકો ઘોડબંદર રોડ પાસે મીરા રોડ પર એક જગ્યાએ શૂટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન જ ત્યાં હાથમાં રૉડ લઈને કેટલાક લોકો આવ્યા અને ક્રૂ મેમ્બરને મારવાનું શરૂ કરી દીધું. તેમણે માહી ગિલ સાથે અભદ્રતા પણ કરી.



હુમલો કરનારા લોકોએ કહ્યું કે, આ લોકેશન અમારું છે અને અમારી પરમિશન વિના અહીં કોઈ શૂટિંગ ન કરી શકે. બીજી તરફ ફિલ્મનું શૂટિંગ કરી રહેલા લોકોનું કહેવું છે કે, તેમણે પરમિશન લીધી છે અને તેના માટે પૈસા પણ ચૂકવ્યા છે.