નવી દિલ્હીઃ ભારતમાં મોનસૂનની ગતિ સરેરાશતી ઘણી ધીમી છે. તેના કારણે મોનસૂન કેરળમાં એક સપ્તાહ મોડું પહોંચ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ સરેરાશ કરતાં 44 ટકા ઓછો છે. તેના કારણે વરસાદ આધારિત ખેતીને નુકસાન થવાની સાથે સાથે દેશના અનેક ભાગમાં દુષ્કાળની ચિંતા વધી ગઈ છે.



ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે 19 જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ચોમાસનો પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ હજુ દેશના 10-15 ટકા વિસ્તારમાં જ ચોમાસાનો પ્રારંભ થયો છે.



ભારતીય હવામાન વિભાગના અધિકારી ડી શિવાનંદ પઈએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું કોંકણના દરિયાકિનારા સુધી પહોંચી જશે. 25 જૂન સુધીમાં મહારાષ્ટ્રનો મહત્તમ વિસ્તાર ચોમાસાના દાયરામાં આવી જશે. જૂનના અંત સુધીમાં મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય થશે. જોકે ચોમાસું તેના નિયત સમયથી અત્યારે 15 દિવસ મોડું છે.

ચોમાસામાં વિલંબના કારણે અત્યાર સુધીના વરસાદમાં 44 ટકાની ઘટ નોંધાઈ છે. જૂનના આ સમયગાળામાં થનારા વરસાદમાં 57 ટકાની ઘટ નોંધાઈ છે. દક્ષિણ ભારતમાં 38 ટકા, પૂર્વોત્તર ભારતમાં 43 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઘટ નોંધાઈ છે.