Mahesh Babu Happy Birthday: મહેશ બાબુ એક પ્રખ્યાત ભારતીય અભિનેતા અને નિર્માતા છે. તે સાઉથ સિનેમાનું મોટું નામ છે. તેને ટોલીવુડનો પ્રિન્સ કહેવામાં આવે છે. સાઉથની સાથે સાથે ઉત્તર ભારતમાં પણ મહેશ બાબુની સારી ફેન ફોલોઈંગ છે. તેની હિન્દી ડબ કરેલી ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. મહેશ બાબુ આ વર્ષે મે મહિનામાં આવેલી તેમની ફિલ્મ 'સરકારુ વારી પતા'ને લઈને ખૂબ ચર્ચામાં હતા. આજે તેમનો જન્મદિવસ છે. આવો જાણીએ તેમના વિશે..


ચાર વર્ષની ઉંમરે ફિલ્મ 'નીડા'માં કામ કર્યું


મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ ચેન્નાઈમાં દક્ષિણ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા-નિર્માતા-નિર્દેશક શિવ રામા કૃષ્ણ ઘટ્ટમાનેનીને ત્યાં થયો હતો. તેણે તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. મહેશ બાબુએ ચાર વર્ષની ઉંમરે ફિલ્મ 'નીડા'માં કામ કર્યું હતું. પરંતુ તેણે ફિલ્મ 'રાજકુમારુડુ'થી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દ્વારા તેણે ટોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી તેને એટલો પ્રેમ મળ્યો કે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.




મળ્યા છે અઢળક પુરસ્કારો


મહેશ બાબુનું બાળપણ મદ્રાસમાં તેમની મામા સાથે વિત્યું હતું. તેમણે ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા. ગ્રેજ્યુએશન પછી મહેશ બાબુ અભિનયની તાલીમ માટે નિર્દેશક એલ સત્યાનંદને મળ્યા અને તેમની તાલીમ ત્રણથી ચાર મહિના સુધી ચાલી. રસપ્રદ વાત એ છે કે તેમને તેલુગુ વાંચતા અને લખતા નથી આવડચું. તે તેના સંવાદો યાદ કરે છે અને પછી બોલે છે. તેમના અભિનય માટે, તેમણે આઠ નંદી પુરસ્કારો, પાંચ ફિલ્મફેર દક્ષિણ પુરસ્કારો, ચાર દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય મુવી પુરસ્કારો, ત્રણ સિનેમા પુરસ્કારો અને એક આઈફા ઉત્સવ પુરસ્કાર જીત્યા છે.


પોતાનું છે પ્રોડકશન હાઉસ


અભિનયની સાથે મહેશ બાબુ ફિલ્મ નિર્માણની દુનિયામાં પણ સક્રિય છે. મહેશ બાબુ એન્ટરટેઈનમેન્ટના નામથી તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. આ વર્ષે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની બાયોપિક 'મેજર' તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની છે, જેમાં આદિવી શેષાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મહેશ બાબુ એક્ટિંગ અને ફિલ્મ પ્રોડક્શન સિવાય સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તેમની હીલ-એ-ચાઈલ્ડ નામની એનજીઓ છે. આ સિવાય તેણે બે ગામો પણ દત્તક લીધા છે.