મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિન બોલર હરભજન સિંહ હાલમાં ક્રિકેટથી દૂર છે, પરંતુ તેઓ હવે ફિલ્મમાં જોવા મળશે. હરભજન સિંહ ફ્રેન્ડશિપ ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ શકે છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે કોઈ ક્રિકેટર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર્સ ફિલ્મ મેકર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. જેમાં પોલીસની હથકડીમાં બાંધેલા બે હાથ જોવા મળી રહ્યા છે.

ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરને હરભજન સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. ફ્રેન્ડશિપને ડાયરેક્ટ જેપીઆર અને શામ સૂર્યાએ કરી છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર જેપીઆર અને સ્ટાલિન છે.


મેકર્સે દ્વારા ટ્વીટર પર ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. પોસ્ટર શેર કરતા લખ્યું, 'ભારતીય સિનેમામાં પ્રથમ વાર. ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અપકમિંગ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'માં મુખ્ય રોલ પ્લે કરશે.' આ ફિલ્મના પોસ્ટરમાં કોઈનો ચહેરો તો દેખાઈ રહ્યો નથી પરંતુ તેમાં હાથકડી લાગેલા બે હાથ અને ક્રિકેટનું ખાલી મેદાન જોવા મળી રહ્યું છે.
39 વર્ષના હરભજન સિંહે ભારતીય ટીમ તરફથી અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2015માં શ્રીલંકા સામે રમી હતી. જ્યારે તેમણે અંતિમ વનડે મેચ સાઉથ આફ્રીકા સામે મુંબઈમાં વર્ષ 2015માં રમી હતી. અંતિમ ટી20 મેચ 3 માર્ચ 2016માં રમી હતી.