હૈદરાબાદમાં પોલીસે સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને નવી નોટિસ પાઠવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નોટિસમાં અલ્લુ અર્જુનને ઘટનાના સંબંધમાં આજે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
4 ડિસેમ્બરના રોજ અભિનેતાની ફિલ્મ રિલીઝના પ્રીમિયરમાં હૈદરાબાદના સિનેમા હોલમાં હજારો ચાહકો એકઠા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.
રવિવારે અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ઘટના પછી પોલીસે અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ પછી અભિનેતાની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે તેને તેલંગણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી 14 ડિસેમ્બરે સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
રવિવારે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા અભિનેતાના હૈદરાબાદના ઘરે તોડફોડ કરવામાં આવી હતી. ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરતા લોકોનું એક જૂથ અભિનેતાના ઘરની બહાર એકત્ર થયું અને પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. તેઓએ અભિનેતાના ઘર પર ટામેટાં ફેંક્યા અને સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
અલ્લુ અર્જુને આરોપોને નકારી કાઢ્યા હતા
તેલંગણાના મુખ્યપ્રધાન એ રેવંત રેડ્ડીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે અર્જુન ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન પોલીસની મંજૂરી ન હોવા છતાં થિયેટરમાં ગયો હતો, જોકે અભિનેતાએ આ આરોપને નકારી કાઢ્યો હતો.
અભિનેતાએ પોતાના સમર્થનમાં આપી આ સ્પષ્ટતા
બીજીતરફ, રવિવારે અભિનેતા અલ્લૂ અર્જૂને પોલીસ અને સીએમ રેવંત રેડ્ડીના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેણે આરોપોને નકારી કાઢતાં કહ્યું, "આ સાચું નથી... હકીકતમાં પોલીસ મારા માટે રસ્તો બનાવી રહી હતી અને હું તેમની સૂચનાથી સ્થળ પર પહોંચ્યો હતો." આ પહેલા શનિવારે (21 ડિસેમ્બર 2024) અલ્લૂ અર્જૂને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે થિયેટરમાં કોઈ પોલીસકર્મી તેને મળવા આવ્યો નથી. અલ્લૂ અર્જૂને આ મામલામાં પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો.