Allu Arjun vs Telangana Police: એકતરફ 'પુષ્પા-2' બૉક્સ ઓફિસ પર સતત દબદબો જમાવી રહી છે અને કમાણીના તમામ રેકૉર્ડ તોડી રહી છે, તો બીજીતરફ તેને લગતા વિવાદો પણ ખતમ થતા દેખાતા નથી. હવે આ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગને કારણે મહિલાના મોતના મામલામાં પોલીસ અને અભિનેતા અલ્લૂ અર્જૂન આમને-સામને આવી ગયા છે.
તેલંગાણા પોલીસે અભિનેતા અલ્લૂ અર્જૂનની તમામ દલીલો અને તેની નિર્દોષતાના દાવાઓને ખોટા ગણાવ્યા છે અને આ ઘટના માટે ફરી એકવાર તેને જવાબદાર ઠેરવ્યો છે. આ વખતે પોલીસે તેની તરફેણમાં મોટો પુરાવો પણ રાખ્યો છે. હૈદરાબાદ પોલીસે રવિવારે (22 ડિસેમ્બર, 2024) સંધ્યા થિયેટરનું એક CCTV ફૂટેજ શેર કર્યું, જેમાં અલ્લૂ અર્જૂન અને તેની ટીમ નાસભાગ બાદ કડક પોલીસ સુરક્ષા વચ્ચે પરિસરમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે.
તેલંગાણા પોલીસે આપ્યો આવો જવાબ
તેલંગાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આરોપ લગાવ્યો કે ઘટના બાદ પણ અલ્લૂ અર્જૂનની ટીમે તેમને અભિનેતાને વ્યક્તિગત રીતે મળવા દીધા ન હતા. એસીપી રમેશે જણાવ્યું હતું કે, "અલ્લૂ અર્જૂનના મેનેજર સંતોષને મૃત્યુ વિશે સૌ પ્રથમ જાણ કરવામાં આવી હતી જ્યારે તેઓ (કાસ્ટ અને ક્રૂ) થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા. અમે તેમને એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે અને એક છોકરો છે. હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી પણ સંતોષ અને અન્ય લોકોએ અમને અભિનેતાને મળવા દીધા નહીં.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ અભિનેતા પર ઉઠાવ્યા સવાલો
દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ દાવો કર્યો છે કે અલ્લૂ અર્જૂન પોલીસની પરવાનગી ન હોવા છતાં પ્રીમિયર માટે થિયેટરમાં ગયો હતો. રેડ્ડીએ આરોપ લગાવ્યો, "અભિનેતાઓએ સિનેમા હૉલ છોડ્યો ન હતો, જેના કારણે પોલીસે તેમને બળજબરીથી બહાર કાઢ્યા હતા." મુખ્યમંત્રીએ કહ્યું કે થિયેટર મેનેજમેન્ટે 2 ડિસેમ્બરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને 4 ડિસેમ્બરે ફિલ્મના મુખ્ય કલાકારો અને અન્ય મહેમાનોની સંભવિત મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થાની વિનંતી કરી હતી. જો કે, પોલીસે ભીડ નિયંત્રણ અંગેની ચિંતાઓને ટાંકીને વિનંતીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે શક્ય નથી કારણ કે થિયેટરમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો દરવાજો છે.
અભિનેતાએ પોતાના સમર્થનમાં આપી આ સ્પષ્ટતા
બીજીતરફ, રવિવારે અભિનેતા અલ્લૂ અર્જૂને પોલીસ અને સીએમ રેવંત રેડ્ડીના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેણે આરોપોને નકારી કાઢતાં કહ્યું, "આ સાચું નથી... હકીકતમાં પોલીસ મારા માટે રસ્તો બનાવી રહી હતી અને હું તેમની સૂચનાથી સ્થળ પર પહોંચ્યો હતો." આ પહેલા શનિવારે (21 ડિસેમ્બર 2024) અલ્લૂ અર્જૂને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે થિયેટરમાં કોઈ પોલીસકર્મી તેને મળવા આવ્યો નથી. અલ્લૂ અર્જૂને આ મામલામાં પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો.
આ મામલે રાજનીતિ પણ થઇ તેજ
સાથે જ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. વિરોધ પક્ષો બીજેપી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ કોંગ્રેસ સરકાર પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે અલ્લૂ અર્જૂન સામેની કાર્યવાહીને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો હતો.
શું કહ્યું બીજેપીએ ?
ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, અભિનેતાને કોંગ્રેસ માટે પ્રચાર કરવાનો ઇનકાર કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. માલવિયાએ ટ્વિટર પર પૉસ્ટ કર્યું, "રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા અલ્લૂ અર્જૂનના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ રાજ્ય પ્રાયોજિત આતંકવાદ છે. કોંગ્રેસ અલ્લૂ અર્જૂને નિશાન બનાવી રહી છે કારણ કે તેણે તેમના માટે પ્રચાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેની ધરપકડ પહેલા ગુનામાં થવી જોઈએ."
શું કહ્યું કોંગ્રેસે ?
BRS નેતા કેટી રામા રાવે પણ અલ્લૂ અર્જૂન સામેની કાર્યવાહીની નિંદા કરી અને લખ્યું, "રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ટાર અલ્લૂ અર્જૂનની ધરપકડ શાસકોની અસુરક્ષાની પરાકાષ્ઠા છે! હું નાસભાગનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ વાસ્તવમાં કોણ નિષ્ફળ ગયું? અલ્લૂ અર્જૂન ગારુને સામાન્ય ગુનેગાર તરીકે જોવું અયોગ્ય છે, ખાસ કરીને એવી કોઈ વસ્તુ માટે કે જેના માટે તે સીધો જવાબદાર નથી."
અભિનેતાના ઘરની બહાર થઇ તોડફોડ
વળી, પોલીસે રવિવારે (22 ડિસેમ્બર 2024) અભિનેતા અલ્લૂ અર્જૂનના જ્યુબિલી હિલ્સના ઘર પર પ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડના કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે 6 લોકોની અટકાયત કરી હતી. DCP પશ્ચિમ ઝૉન હૈદરાબાદએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા 6 લોકો અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તે તમામ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે જનતાને જાણ કરવામાં આવે છે કે આવા કોઈપણ કાયદાવિહીન વર્તનને સહન કરવામાં આવશે નહીં અને જે કોઈ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, સીએમ રેવંત રેડ્ડીએ અલ્લૂ અર્જૂનના ઘરે ટામેટાં ફેંકવાના મામલે ડીજીપી અને હૈદરાબાદના સીપીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
શું છે મામલો ?
4 ડિસેમ્બર, 2024ના રોજ, અલ્લૂ અર્જૂન પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે તેની ટીમ સાથે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન અલ્લૂ અર્જૂનને જોવા માટે લોકો પણ એકઠા થઈ ગયા હતા. અલ્લૂ અર્જૂન અંદર મૂવી જોઈ રહ્યો હતો ત્યારે બહાર ભાગદોડ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો