એક જૂની કહેવત છે કે ટીંપે ટીંપે સરોવર ભરાય. પણ હવે આ કહેવતમાં એ પણ ઉમેરાવું જોઈએ કે રુપિયે-રુપિયે બાઈક લેવાય. આ બદલાવ તમને થોડો વિચિત્ર લાગશે પણ તમિલનાડુમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમને કહેવતમાં કરેલ આ બદલાવ યોગ્ય લાગશે. કિસ્સો કંઈક એમ છે કે, તમિલનાડુમાં એક યુવકે 1-1 રુપિયાના સિક્કા ભેગા કરીને લગભગ 2.6 લાખ રૂપિયા ભેગા કર્યા અને આ સિક્કાઓમાંથી તેણે પોતાની મનપસંદ બાઇક ખરીદી છે. 


રિપોર્ટ અનુસાર, 29 વર્ષીય વી.બુપતિ તમિલનાડુના સાલેમમાં રહે છે. શનિવારે તે બાઇક લેવા માટે બાઇકના શોરૂમ પર પહોંચ્યો હતો. તેને બજાજ ડોમિનાર 400 મોડલની બાઇક ખરીદવાની હતી. બાઇક વિશે શોરૂમ સ્ટાફ સાથે વાત કરી, જ્યારે તેઓએ પેમેન્ટ માટે હેન્ડકાર્ટ પર લાવેલી એક મોટી બેગ બહાર કાઢી, તો શોરૂમના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, બુપતિ પેમેન્ટ કરવા માટે 1-1 રુપિયાના સિક્કા લાવ્યા હતા અને આ સિક્કા કુલ 2 લાખ 60 હજાર રૂપિયા હતા. તે આ સિક્કાઓને પેક કરીને એક નાની હેન્ડકાર્ટમાં ભરીને વાન પર લાવ્યો હતો.


સિક્કા ગણતાં થયા 10 કલાક:
રિપોર્ટ અનુસાર, આ સિક્કાઓની ગણતરી કરવામાં શોરૂમના કર્મચારીઓને 10 કલાકનો સમય લાગ્યો હતો. બુપતિએ જણાવ્યું કે તે, આ 1 રુપિયાના સિક્કા 3 વર્ષથી એકત્ર કરી રહ્યો હતો. જ્યારે પણ તેને ચાના સ્ટોલ પર, મંદિર પર અથવા અન્ય વસ્તુઓ ખરીદતી વખતે 1 રુપિયાનો સિક્કો મળતો ત્યારે તે તેને ભેગો કરતો હતો.


શોરુમ મેનેજર આ કારણે તૈયાર થયાઃ
આમ તો કોઈ પણ વાહન શોરુમ પર આ રીતે રુપિયાની ચિલ્લર આપો તો શોરુમના કર્મચારીઓ વાહન વેચવાની ના જ પાડે. પણ અહીં શોરૂમના મેનેજર મહાવિક્રાંતે જણાવ્યું કે, પહેલાં તો તેઓ આ સિક્કા લેવાની ના પાડી રહ્યા હતા, પરંતુ તે બુપતિને નિરાશ કરવા માંગતા ન હતા, તેથી તે સિક્કાની ડીલ કરવા માટે રાજી થયા. સાથે જ બુપતિનું આ બાઇક ખરીદવાનું સપનું હતું અને તેના માટે તેણે આ પૈસા એકઠા કર્યા હતા તેથી અમે રુપિયાના બદલામાં બાઈક વેચી. જો કે 1 લાખ રૂપિયા જમા કરાવવા માટે બેંક તેમની પાસેથી 140 રૂપિયા વસૂલશે. 


9 લોકોએ ગણ્યા રુપિયાઃ
મહાવિક્રાંતે જણાવ્યું કે, સિક્કા મળ્યા બાદ તેને ગણવાનું કામ શરૂ કર્યું. તે બુપતિ, તેના ચાર મિત્રો અને શોરૂમના 5 સ્ટાફને રુપિયા ગણવા લઈ ગયો હતો. 10 કલાકની મહેનત બાદ રાત્રે 9 વાગે ગણતરી પૂર્ણ થઈ અને તેને બાઇક આપી. ગાંધી મેદાન અમ્માપેટમાં રહેતા બુપતિ એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. તે યુટ્યુબર પણ છે. તેણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા તેણે આ બાઇકની કિંમત જાણી લીધી હતી. ત્યારબાદ શોરૂમ દ્વારા તેને કહેવામાં આવ્યું કે તેની કિંમત 2 લાખ રૂપિયા છે. તે સમયે મારી પાસે પૈસા નહોતા, ત્યારબાદ મેં નક્કી કર્યું કે હું એક-એક રૂપિયા જમા કરાવીશ અને આ બાઇક ખરીદીશ.