હૈદરાબાદ: સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર વિજયની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઈનકમ ટેક્સ વિભાગે તેના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ હવે વિજયને ટેક્સ ચોરીના આરોપ અને ફાઈનાન્સર અંબૂ ચેઝિયાન સાથેના સંબંધોને લઈને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે.

એક્ટર વિજયના ઘરે ઈનકમ ટેક્સ વિભાગે ટેક્સ ચોરીના મામલે દરોડા પાડ્યા હતા. આ ઈનકમ ટેક્સના દરોડા દરમિયાન 77 કરોડ રૂપિયાથી વધારે રકમ જપ્ત કરવામાં આવી હતી. ઈનકમ ટેક્સ વિભાગે પાંચ ફેબ્રુઆરીની સવારે એજીએસ એન્ટરપ્રાઈઝની પ્રોપટીઝ પર દરોડા પાડ્યા હતા. આ જ કારણે એક્ટર વિજયે પોતાની ફિલ્મ માસ્ટરનું શૂટિંગ અધવચ્ચે રોકી દીધુ હતું.


ઈનકમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અમને જાણકારી મળી હતી કે વિજયે ફિલ્મ બિજિલ માટે ખૂબ મોટી રકમ કેશમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે વિજય એજ અભિનેતા છે જેમણે બિજિલ ફિલ્મના ક્રૂ મેમ્બર્સને સોનાની વિંટી ગીફ્ટમાં આપી હતી.

એક્ટર વિજયે 18 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. એક્ટર વિજયને લોકો વિજય થાલાપથીના નામથી ઓળખે છે. તેમણે વધારે તમિલની એક્શન, ડ્રામા અને રોમાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિજય ખૂબ મોટુ નામ છે. સોશિયલ મીડિયામાં વિજયનું ફેન ફોલોવિંગ લાખોમાં છે.