મુંબઈ: સાઉથનો સુપરસ્ટાર વિજય થલાપતિ છેલ્લા ઘણાં દિવસથી ચર્ચામાં છે અને તે પણ ખોટા કારણોસર. ફેબ્રુઆરીમાં વિજય થલાપતિના ઘરે આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઉપર 300 કરોડની કરચોરીનો આરોપ હતો જેના કારણે આવકવેરા અધિકારીઓએ વિજય થલાપતિના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં અધિકારીઓએ 65 કરોડની જંગી રકમ જપ્ત કરી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતા ચાહકો નિરાશ જોવા મળ્યાં હતાં.


આવી સ્થિતિમાં તાજેતરમાં આઈટી અધિકારીઓ ફરી એકવાર વિજયના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ અભિનેતા અંગે સનસનાટીભર્યા ખુલાસા કર્યાં હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિજયને તેની ફક્ત બે ફિલ્મ્સ માટે અધધ 130 કરોડની ફી આપવામાં આવી છે.

વિજયને ‘બિગિલ’ અને ‘માસ્ટર’ ફિલ્મ માટે આ ફી મળી છે. જેમાં તેણે બિગિલ માટે 50 કરોડ અને આગામી ફિલ્મ માસ્ટર માટે 80 કરોડ મેળવ્યા છે. જોકે તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, વિજયે આ જંગી ફીનો સંપૂર્ણ ટેક્સ જમા કરાવ્યો હતો.

આ દરોડો વિજયના ઘરે પહેલો દરોડો નથી પરંતુ આ પહેલા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓ અભિનેતાને તેના સેટ પરથી ઉઠાવીને સાથે લઈ ગયા હતા. વિજયની છેલ્લી ફિલ્મ ‘બિગિલ’ સુપરહિટ સાબિત થઈ હતી. વિજયની ફિલ્મે 300 કરોડનો બિઝનેસ કર્યો હતો.

ફિલ્મની સફળતા પર અભિનેતાએ ફિલ્મની ટીમમાં સોનાની વીંટીઓનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન દરોડા દરમિયાન આઈટી અધિકારીઓએ ફાઈનાન્સર અંબુના ઘરેથી રૂપિયા 77 કરોડ જપ્ત કર્યાં હતા જેના માટે અંબુ અધિકારીઓને કોઈ કાગળ બતાવી શક્યો ન હતો અને તે જ વિવાદને કારણે આઇટી અધિકારીઓ સુપરસ્ટાર વિજયના ઘરે પણ પહોંચ્યા હતાં જ્યાંથી અધિકારીઓએ 65 કરોડની મોટી રકમ જપ્ત કરી હતી.