• 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ બાદ ગુમ થયાના અહેવાલો વચ્ચે રણવીરનું સોશિયલ મીડિયા પર નિવેદન
  • ભાગી રહ્યો નથી, પરંતુ જાનથી મારી નાખવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ મળી રહી હોવાનો દાવો
  • પોલીસ અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ, અગાઉની ટિપ્પણીઓ બદલ ખેદ વ્યક્ત કર્યો

India’s Got Talent controversy: 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોને લઈને થયેલા વિવાદ બાદ જાણીતા સોશિયલ મીડિયા પ્રભાવક રણવીર અલ્હાબાદિયાના ગુમ થવાના સમાચાર વહેતા થયા હતા. જો કે, આ અહેવાલો વચ્ચે રણવીર પોતે સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે તે ભાગી રહ્યા નથી. તેમણે જણાવ્યું છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેઓ ચિંતામાં છે.

રણવીરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, "હું અને મારી ટીમ પોલીસ અને અન્ય તમામ સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ. હું યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીશ અને તમામ એજન્સીઓને તપાસમાં મદદ કરીશ."

પોતાના માતા-પિતા વિશે અગાઉ કરેલી ટિપ્પણીઓ અંગે રણવીરે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, "માતા-પિતા વિશેની મારી ટિપ્પણીઓ અત્યંત સંવેદનશીલ અને અપમાનજનક હતી. યોગ્ય રીતે વર્તવું એ મારી નૈતિક જવાબદારી છે અને હું આ માટે ખરા દિલથી દિલગીર છું."

ધમકીઓ વિશે વાત કરતા રણવીરે જણાવ્યું કે, "મને કેટલાક લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેઓ માત્ર મને જ નહીં, પરંતુ મારા પરિવારને પણ નુકસાન પહોંચાડવા માંગે છે. કેટલાક લોકો મારી માતાના ક્લિનિકમાં દર્દી તરીકે દાખલ થયા હતા, જેના કારણે હું ખૂબ જ ડરી ગયો છું અને મને ખબર નથી કે હવે શું કરવું."

પોતાના નિવેદનના અંતે રણવીરે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે તેઓ ભાગી રહ્યા નથી અને તેમને પોલીસ અને ભારતીય ન્યાય પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. રણવીરનું આ નિવેદન તેમના ચાહકો અને અનુયાયીઓ માટે રાહતરૂપ બની શકે છે, જેઓ તેમના ગુમ થવાના સમાચારથી ચિંતામાં હતા. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો...

વકફ પર જેપીસી રિપોર્ટ: અમિત શાહે વિપક્ષની એક જ લાઈનમાં બોલતી કરી બંધ, જાણો સંસદમાં વકફ જેપીસી રિપોર્ટ પર શું થયું?