મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈ ખાતે આજે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં દાખલ  કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતના સમાચારની સાથે જ જયપુરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઈરફાન ખાનના પરિવાર પર એક નજર

ઈરફાન ખાનનો જન્મ જયપુરમાં થયો હતો. તેના પિતાનું નામ યાસીન અને માતાનું નામ સઈદા બેગમ હતું. ઈરફાનનું ખાનનું ઘર જૂના જયપુરમાં આવેલું છે. જ્યાં તેના બે બાઈઓ રહે છે. ઈરફાન ખાને ત્રણ ભાઈ બહેન છે. તેની બહેન રુકસાન સૌથી મોટી છે અને બે નાના ભાઈ ઈમરાન ખાન અને સલમાન ખાન છે. ઈરફાન ખાનનું મોસાળ જયપુરતી 100 કિલોમીટર દૂર ટોંકમાં છે.

બાળપણથી જ હતો એક્ટિંગનો શોખ

જયપુરમાં ઈરફાનના નજીકના લોકોના જણાવ્યા મુજબ, બાળપણથી જ તેને એક્ટિંગનો શોખ હતો. ઉપરાંત પતંગબાજીમાં પણ ઘણો રસ હતો. તે સમય કાઢીને ખાસ પતંગ ચગાવવા માટે જયપુરમાં આવતો હતો. પતંગબાજી સિવાય તેને ક્રિકેટનો પણ જબરો શોખ છે. ઈરફાનના મિત્રોના જણાવ્યા મુજબ, સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે પહોંચીને તરત જ ઈરફાન ક્રિકેટ રમવા નીકળી જતો હતો.

પિતાની ઈચ્છા હતી બિઝનેસ સંભાળે

ઈરફાનના પિતાને ટાયરનો બિઝનેસ હતો અને તેમનો પુત્ર આ વારસો સંભાળે તેમ ઈચ્છતા હતા પરંતુ ઈરફાનના દિમાગમાં એક્ટિંગનું ઝનૂન હતું. તેણે જયપુરમાંથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. એક્ટિંગમાં હાથ અજમાવવા રવીંદ્ર મંચમાં જોડાયો હતો. જે બાદ તેની ફિલ્મી સફર શરૂ થઈ હતી.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ બદલી જિંદગી

રવીંદ્ર મંચથી પોતાની કલાને આગળ વધારવા તે દિલ્હી આવી ગયો હતો. દિલ્હીમાં તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું અને જે બાદ પોતાની એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા.

જૂની યાદો તાજી કરવા આવ્યો હતો જયપુર

થોડા વર્ષો પહેલા ઈરફાન તેના જૂના દિવસોની યાદો તાજા કરવા જયપુર આવ્યો હતો. જ્યાં તેણે બાળપણનો શોખ પતંગબાજી પૂરો કર્યો હતો. ઈરફાનના મિત્રોના કહેવા મુજબ કોઈપણ કામ પરફેક્શન સાથે કરતો હતો.