નવી દિલ્હીઃ હોલિવુડ ટીવી સીરિઝ ‘ફ્રેન્ડ્સ’ની સફળતા સાથે જ રાતોરાત લાઈમ લાઈટમાં આવેલી અભિનેત્રી જેનિફર એનિસ્ટન હાલ તેના ઈનસ્ટાગ્રામ ડેબ્યુને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહેલી અભિનેત્રી જેનિફર એનિસ્ટન ઈનસ્ટાગ્રામમાં ડેબ્યુ સાથે જ પોતાની પહેલી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ઈનસ્ટાગ્રામમાં પહેલી પોસ્ટ કરવા સાથે જ જેનિફર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહી છે.


સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા તેણે લખ્યું “અને હવે આપણે પણ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બની ગયા છીએ, હાય ઈન્સ્ટાગ્રામ.” જેનિફરની પ્રથમ ઈનસ્ટાગ્રામ પોસ્ટમાં લિજા કુદ્રો, કોર્ટની કોક્સ, મૈટ લેબ્લાંકે, મૈથ્યુ પેરી અને ડેવિડ સ્કિવ્મર જેવા ‘ફ્રેન્ડ્સ’ સીરિઝના અન્ય કલાકારો પણ જોવા મળે છે. ઈનસ્ટાગ્રામ પર માત્ર એક પોસ્ટ મુકીને જ જેનિફરે પાંચ કલાક અને 16 મિનિટમાં એક મિલિયન(10 લાખ) જેટલા ફોલોઅર મેળવી લીધા હતા અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.


અગાઉ આ રેકોર્ડ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કેલના નામે નોંધાયેલો હતો અને તેમણે પાંચ કલાક 45 મિનિટમાં 10 લાખ ફોલોઅર મેળવ્યા હતા. સૌથી ઓછા સમયમાં ઈનસ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર મેળવનાર જેનિફરનું એકાઉન્ટ પેજ પર ટ્રાફિક વધી જવાના કારણે થોડા સમય માટે ક્રેશ પણ થયું હતું.

જેનિફરે અમેરિકન કોમેડી ટીવી શ્રેણી ‘ફ્રેન્ડ્સ’માં રશેલ પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવી. આ સિવાય તેણે ‘બ્રુસ ઓલમાઇટી’, ‘ટ્રેઇલિંગ’, ‘માર્લી એન્ડ મી’, ‘ધ સ્વીટ’ જેવી ઘણી સફળ ફિલ્મો કરી છે.

જણાવી દઈએ કે જેનિફર એનિસ્ટન બ્રાડ પિટની પૂર્વ પત્ની છે. જો કે 2005માં બંને અલગ થઈ ગયા. તેણે જેનિફર સાથે લગ્ન કર્યા હતા જ્યારે બ્રાડ પિટ એન્જેલીના જોલી સાથે ડેટ કરી રહ્યો હતો. બ્રાડ પિટ અને જેનિફર એનિસ્ટનનાં લગ્નને 5 વર્ષ થયાં હતાં. જેનિફરે ત્યારબાદ જસ્ટિન થેરોક્સ સાથે લગ્ન કર્યા, પરંતુ બંનેએ 2018માં છૂટાછેડા લીધા.