બોક્સ ઓફિસ પર ‘કલંક’ ફિલ્મે મચાવ્યો ધમાલ, 2019ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Apr 2019 05:03 PM (IST)
‘કલંક’ ફિલ્મે પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
મુંબઈ: આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, સંજય દત અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર કાસ્ટથી સજ્જ ‘કલંક’ ફિલ્મે ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર જબરજસ્ત ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસેજ બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મ વર્ષ 2019ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. રિલીઝના પ્રથમ દિવસે ‘કલંક’ ફિલ્મે 21.60 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શન અંગે જાણકારી આપી છે. આ શાનદાર કમાણી સાથે ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ ( 21.06 કરોડ રૂપિયા), ગોલી બોય, ટોટલ ધમાલને પાછળ પાડી દીધી છે. આ સાથે વરુણ અને આલિયા માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. જો કે આ ફિલ્મને ક્રિટિક્સના રિવ્યૂ અને રેટિંગ ખૂબજ ઓછા મળ્યા છે. ફિલ્મ ‘કલંક’ને ભારતમાં 4000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારે વર્લ્ડ વાઈડ આ ફિલ્મને 5300 સ્ક્રીન્સ આપવામાં આવી છે. આ સાથે જ વર્ષ 2019માં સૌથી વધુ સ્ક્રિન પર રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ કલંક છે.