Kamal Haasan Film Vikram Worlwide Box Office Collection: ફિલ્મ વિક્રમમાં કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહદ ફાસિલની દમદાર ત્રિપુટી જોવા મળી રહી છે. આ ફિલ્મને લઈ આ ત્રણેય દિગ્ગજ એક્ટર્સ ચર્ચામાં છે. ફિલ્મને દુનિયાભરના બોક્સઓફિસ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ ત્રણ દિવસમાં 150 કરોડની ક્લબમાં પહોંચી ગઈ છે અને ફક્ત ત્રણ જ દિવસમાં કમાણીનો આંકડો 160 કરોડને પાર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે, વિક્રમ 3 જૂન 2022ના રોજ રીલીઝ થઈ છે. 


સાઉથના ડાયરેક્ટર લોકેશ કનગરાજની એક્શન થ્રિલર ફિલ્મ રીલીઝ થઈ તે પહેલાં જ ચર્ચામાં રહી હતી. પરંતુ રીલીઝ થયા બાદ આ ફિલ્મે ચારે બાજુ ધૂમ મચાવી દીધી છે. વિક્રમ ફિલ્મ જોયા બાદ દર્શકો તેની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. કેટલાક લોકો તો કેજીએફ કરતાં પણ વિક્રમ ફિલ્મને સારી ગણાવી રહ્યા છે. ફિલ્મ વિશ્લેષકોનું માનીએ તો વિક્રમ ફિલ્મ એ કમલ હાસનના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મના રુપે ઉભરી છે.


ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના મળેલા નવા રિપોર્ટ અનુસાર, વિક્રમે રિલીઝના પહેલા અઠવાડિયામાં દુનિયાભરના બોક્સ ઓફિસ પર 163.07 કરોડની કમાણી કરી છે. ફિલ્મને વર્લ્ડ વાઈડ સ્તર ઉપર વિકેન્ડ ગ્લોબલી ગ્રોસર્સનું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં પહોંચી ચુકી છે. ફિલ્મની કમાણીના આંકડા હજી વધી શકે છે.


સિનેમાઘરોમાં દમદાર સફળતા વચ્ચે વિક્રમની ઓટીટી અને ટીવી રીલીઝની ચર્ચા પણ થઈ રહી છે. મળતા અહેવાલો પ્રમાણે ફિલ્મના રાઈટ્સ ટીવી અને ઓટીટી પ્લેટફોર્મથી વિક્રમે પહેલાં જ 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ભારતીય સિનેમાની સૌથી મોટી ડીલ હશે.