Kangana Ranaut on Dhaakad Box Office Failure: કંગના રનૌતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધાકડ' બોક્સ ઓફિસ પર ઉંધે માથે પટકાઈ હતી. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થયા બાદ કંગનાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હવે તેણે પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેની ઈન્સ્ટા સ્ટોરીમાં તેણે ફિલ્મ 'ધાકડ'ને સીધી રીતે ફ્લોપ ગણાવી ન હતી, પરંતુ તેણે પોતાને ભારતની બોક્સ ઓફિસ ક્વીન ગણાવી હતી. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર અગાઉની ફિલ્મોના હિટ આંકડા ગણ્યા અને કહ્યું કે આ વર્ષ આવવાનું બાકી છે.


કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા લખ્યું કે, "2019માં મેં સુપરહિટ ફિલ્મ મણિકર્ણિકા આપી જેણે 160 કરોડની કમાણી કરી. વર્ષ 2020 કોવિડ હતું. 2021માં મેં મારી કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી, થલાઈવી જે OTT પર આવી અને એક મોટી હીટ ફિલ્મ રહી. મને ઘણી બધી ક્યુરેટેડ નેગેટિવિટી દેખાય છે, પરંતુ 2022 એ બ્લોકબસ્ટર લોક અપ હોસ્ટ કરવાનું વર્ષ પણ છે અને તે હજી પૂરું થયું નથી. મને તેના માટે ઘણી આશાઓ છે. સુપરસ્ટાર કંગના રનૌત ભારતની બોક્સ ઓફિસ ક્વીન છે."


તમને જણાવી દઈએ કે કંગનાની 'ધાકડ' અને કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' બંને એક જ દિવસે 20 મેના રોજ રીલિઝ થઈ હતી. 'ભૂલ ભૂલૈયા' અત્યાર સુધીમાં 150 કરોડની નજીક પહોંચી ગઈ છે, પરંતુ કંગનાના અભિનયને લઈને દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. કંગનાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'તેજસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાએ ભારતીય વાયુસેનાની ફાઈટર પાઈલટની ભૂમિકા ભજવી હતી. આ સિવાય કંગનાએ તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.