મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડનારી કંગના રનૌતની મુશ્કેલી વધી રહી છે. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ કનેકશનની તપાસ શરૂ કરી દીધી છે. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, સુમન અધ્યયનના જૂના ઈન્ટરવ્યૂના આધારે તપાસ કરવામાં આવી રહી છે.


શિવસેના નેતા સુનીલ પ્રભુ અને પ્રતાપે આ ઈન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે. જેમાં સુમને કંગના ડ્રગ લેતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેને પણ જબરદસ્તીથી ડ્રગનું સેવન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ મામલાની તપાસ કરશે.

આ દરમિયાન કંગના રનૌતે પણ મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી હું ખુશ છું. મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડની તપાસ કરો અને જો કોઈ ડ્રગ ખેપીયા સાથેની લિંક મળશે તો હું મારી ભૂલ સ્વીકારીને મુંબઈ કાયમ માટે છોડી દઈશ.


આજે સવારે એક્ટ્રેસની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીએ નોટિસ લગાવી છે. જે મુજબ તેની ઓફિસના ગેરકાયેદસર રીતે બનાવવામાં આવી હોવાનું લખવામાં આવ્યુ છે. બીએમસીનું માનવું છે કે કંગનાએ ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કર્યું છે. બાલ્કની એરિયાનો રૂમ તરીકે ઉપયોગ કર્યો છે. બીએમસીના કહેવા મુજબ ઓફિસ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.