નવી દિલ્હીઃ કંગના રનૌત ટૂંકમાં જ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક મૂવી ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ જયલલિતાની કહાની પર આધારિત છે. ફિલ્મમાં કંગના જયલલિતાની બધી જ ઉંમરની ભૂમિકા ભજવશે. તેમાંથી એક તબક્કો ફિલ્મોમાં જયલલિતાની એક્ટિંગનો પણ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ  જયલલિતાના વખાણ કરતાં કહ્યું કે, એક ગ્લેમરસ સ્ટાર હતી.

ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું, ‘તે મારા જેવી ન હતી. તે એક ખૂબ જ ગ્લેમરસ સ્ટાર હતી....જેમ કે બોલિવૂડમાં ઐશ્વર્યા રાય. તેના કેરેક્ટરમાં ફીટ બેસવું એ મારા માટે એક મોટો પડકાર હતો કારણ કે મને ગ્લેમરસ માટે ખૂબ ઓછી ઓળખવામાં આવે છે. પરંતુ અમારી વચ્ચે એક વસ્તુ કોમન છે કે તેમને પણ પોતાના કામથી સંતોષ ન હતો. અને મારી સાથે પણ આવું જ છે.’



કંગનાએ આગળ કહ્યું કે, ‘મને ક્યારે પણ એક્ટર બનવાની ઈચ્છાન હતી અને માટે જ અમે એક રીતે અનાયાસે એક્ટર બની ગયા. મને લાગે છે કે તેમણે ચોક્કસ એવું અનુભવ્યું હશે કે તેઓ ફિલ્મમાં ગ્લેમ ડોલ બનવાથી વધારે ડિઝર્વ કરતા હતા અને બાદમાં તેઓ નેતા બની ગયા. આ એવું જ છે જેમ કે મને લાગે છે કે એક્ટ્રેસ તરીકે મારી કેટલીક મર્યાદાઓ આવી ગઈ છે માટે હું ફિલ્મ નિર્માતા બનવા તરફ આગળ વધું છું. માટે મને લાગે છે કે તેમનામાં અને મારામાં સમાનતાઓ છે.’

ડાયરેક્ટર એ એલ વિજયના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થલાઇવી’માં કંગનાને જયલલિતા જેવી દર્શાવવા ભારે ભરખમ મેકઅપનો સહારો લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની છે દર્શકોને આતુરતાથી તેની રાહ છે.