લખનઉ: બોલીવૂડ સિંગર કનિકા કપૂર સામે એફઆઈઆરથી મોટો ખુલાસો થયો છે. એફઆઈઆર મુજબ, 14 માર્ચે જ એરપોર્ટ પર ખબર પડી ગઈ હતી કે કનિકા કપૂર કોરોના સંક્રમિત છે. પોલીસ કમિશનર સુજીત પાંડેયે જણાવ્યું કે 11 માર્ચે જ કનિકા કપૂર લખનઉ આવી ગઈ હતી. લંડનથી પરત ફરેલી કનિકા કપૂર કોરોના પોઝિટિવ છે. લંડનથી પરત ફર્યા બાદ તેણે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ સહિત ઘણી જગ્યાએ પાર્ટીઓ કરી હતી. કનિકા કપૂર પર લખનઉના ગોમતી નગર, હઝરતગંજ અને સરોજની નગરમાં ફરીયાદ દાખલ કરાઈ છે.




લખનઉમાં 11થી 17 માર્ચ સુધી ત્રણ પાર્ટીઓમાં સામેલ થયેલી કનિકા કપૂર કોરોના પોઝિટિવ નિકળી છે, એમાંથી એક પાર્ટીમાં યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ પણ સામેલ થયા હતા. 15 માર્ચની પાર્ટીમાં ભાજપના સાંસદ દુષ્યંત સિંહ પોતાની માતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ સામેલ થયા હતા. કનિકા કપૂર આ દરમિયાન લખનઉની હોટલ તાજમાં રોકાઈ હતી. હોટલ તાજને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સિંગર કનિકા કપૂર 12 અને 13 માર્ચ કાનપુરમાં રોકાઈ હતી. કાનપુરમાં તે એક પાર્ટીમાં સામેલ થઈ હતી. આ સાથે જ તે પોતાના મામ વિપુલ ટંડનના કલ્પના એપાર્ટમેન્ટમાં ગૃહ પ્રવેશમાં સામેલ થઈ હતી. આ ખુલાસા બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમને કલ્પના ટાવરને સેનેટાઈઝ કર્યું છે. કનિકા કપૂરના સબંધીઓની તપાસ થઈ રહી છે.

કનિકા કપૂર જ્યારે લંડનથી ભારત પર ફરી ત્યારે બ્રિટનમાં કોરોનાના 278 કેસ સામે આવ્યા હતા. તેમ છતા કનિકા કપૂરે પોતાની તપાસ કરાવવાને બદલે પાર્ટીઓ કરી હતી. કનિકાની પાર્ટીમાં કોણ-કોણ સામેલ થયા હતા? કયા કયા પાર્ટીઓ કરવામાં આવી? કેટલા લોકોના સંપર્કમાં આવ્યા? જેને લઈને યૂપીના પ્રમુખ સચિવ ગૃહ તપાસના આદેશ આપ્યા છે.