Kannada actor: કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકેશનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા.કન્નડ ફિલ્મ ઉદ્યોગના પ્રિય અભિનેતા અને દિગ્દર્શક બંગલ શમા રાવ દ્વારકાનાથ જેઓને પ્રેમથી દ્વારકેશ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. દ્વારકેશનું 81 વર્ષની ઉંમર કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. તેમના પુત્રએ આ જાણકારી આપતા કહ્યું કે તેમના પિતા દ્વારકેશે બેંગલુરુમાં ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 19 ઓગસ્ટ, 1942ના રોજ જન્મેલા દ્વારકેશનું બાળપણ મૈસૂરના ઇત્તિગેગુડમાં વિત્યું હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ શારદા વિલાસ અને બનુમૈયાની શાળામાં મેળવ્યું હતું.  બાદમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સાથે સીપીસી પોલિટેકનિકમાંથી સ્નાતક થયા હતા. 


તેમના ભાઈની સાથે તેમણે મૈસુરના ગાંધી સ્ક્વેયરમાં "ભારત ઓટો સ્પેર્સ"ની સ્થાપના કરીને ઓટોમોટિવ સ્પેર-પાર્ટ્સના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. જો કે, અભિનય પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને ફિલ્મ ઉદ્યોગમાં તકો શોધવા તરફ દોરી ગયો હતો. પોતાના મામા જાણીતા સિનેમા દિગ્દર્શક હુનુસુર કૃષ્ણમૂર્તિથી પ્રોત્સાહિત થઇને દ્વારકેશે 1963 માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ વ્યવસાયમાંથી અભિનય તરફ આગળ વધ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, દ્વારકેશના નિધન પર કન્નડ ફિલ્મના સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી તેવી શક્યતા છે.


1966માં દ્વારકેશે થુંગા પિક્ચર્સ બેનર હેઠળ બે અન્ય લોકો સાથે ફિલ્મ 'મમથેયા બંધના'નું સહ-નિર્માણ કર્યું હતુ. તેમનું પ્રથમ સ્વતંત્ર પ્રોડક્શન 'મેયર મુથન્ના,' 1969માં રિલીઝ થઇ હતી અને તેમાં ડૉ. રાજકુમાર અને ભારતીએ અભિનય કર્યો હતો જે વ્યાવસાયિક રીતે સફળ રહી હતી.  બાદમાં દ્વારકેશે આગામી બે દાયકા દરમિયાન કન્નડ સિનેમામાં બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મોનું યોગદાન આપ્યું હતું.


1960ના દાયકામાં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યા બાદ અભિનેતા અને દિગ્દર્શક દ્વારકેશે મેયર મુથના અને અપ્તમિત્રા જેવી બ્લોકબસ્ટર હિટ કન્નડ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. 2018માં રીલિઝ થયેલી કન્નડ ફિલ્મ સિંગાપૂરાદલી રાજાકુલ્લાનું શૂટિંગ ભારતની બહાર કરનાર દ્વારકેશ પણ પ્રથમ વ્યક્તિ છે. તેઓ 80 વર્ષના થયા ત્યારે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.