મુંબઈઃ કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. કેટલીક કંપનીઓ દ્વારા તેમના સ્ટાફના પગારમાં ઘટાડો કરવામાં પણ આવ્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર કરણ જોહરે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની ટીમને કરવામાં આવનારી ચૂકવણીમાં કાપ મૂક્યો હોવાની વાતને રદિયો આપ્યો છે.


તેણે લોકોને કોઈપણ તારણ પર પહોંચતા પહેલા સત્તાવાર જાહેરાતની રાહ જોવાની અપીલ કરી હતી. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા સ્ટાર્સ છે. ફિલ્મમાં નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં જોવા મળશે.


ફિલ્મકારે ટ્વિટ કરીને લખ્યું, "મીડિયાના મારા તમામ મિત્રોને વિનંતી છે કે અમારી ફિલ્મને લઈ કોઈ પણ પ્રકારના તારણ પર ન પહોંચે. જે વ્યવસાય માટે એક પડકારજનક સમય છે. કોઈપણ વિષયને લઈ સત્તાવાર જાહેરાત તવા સુધી રાહ જુઓ. આ એક વિનમ્ર નિવેદન છે."

બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન પાંચ ભાષાઓ - હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ સાથે મળીને ધર્મા પ્રોડકશન્સ બનાવી રહ્યું છે.