અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વધુને વધુ ઘાતક બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૩૧૯ થઇ ગયો છે. આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૯૨ના મોત થયા છે. આમ, કુલ મૃત્યુના ૬૦ ટકા છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયા છે. હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં પણ દિવસેને દિવસે સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. અમદાવાદમાં કુલ ૨૩૪ના મૃત્યુ થયા છે અને તેમાંથી ૬૮.૮૦%  છેલ્લા ૧૦ દિવસમાં જ થયેલા છે.

છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી ૧૨૨ જ્યારે અમદાવાદમાંથી ૧૦૦ વ્યક્તિના કોરોનાને કારણે મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી નોંધાયેલા કુલ મૃત્યુના ૭૩.૩૦% માત્ર અમદાવાદમાં જ છે. છેલ્લા ૧૦ દિવસની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાત અને અમદાવાદમાં પણ મૃત્યુઆંકમાં પાંચથી છ ગણો વધારો થયો છે.

ગુજરાતમાં મૃત્યુઆંક ૨૫ એપ્રિલે ૬ હતો જે હવે ૨૯ જ્યારે અમદાવાદમાં મૃત્યુઆંક ૪ હતો તેમાંથી  વધીને ૨૬ થયો છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં ૨૦થી વધુ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૮૦૪ છે. જેમાંથી ૨૫ વેન્ટિલેટર પર જ્યારે ૪૨૬૫ સ્ટેબલ છે. અત્યારસુધી ૧૧૯૫ વ્યક્તિએ કોરોનાને પરાસ્ત કરેલો છે. અમદાવાદના ૩૩માંથી ૩૧ જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયેલો છે. આ ઉપરાંત ૧૬ જિલ્લામાં કોરોનાથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે.

દેશના જે રાજ્યોમાં કોરોનાથી ૫૦થી વધુ મૃત્યુ થયા હોય તેના મૃત્યુદરમાં ગુજરાત ૫.૫૦ ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૦.૫૦  ટકા સાથે મોખરે છે. પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા કોરોનાના ૧૨૫૯ કેસમાંથી ૧૩૩ના મૃત્યુ થયેલા છે. મધ્ય પ્રદેશ ૫.૫૬ ટકાના મૃત્યુ દર સાથે બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર કોરોનાથી મૃત્યુને મામલે ટોચના સ્થાને છે પણ મૃત્યુદર મામલે ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં કુલ ૧૨૯૭૪ કેસમાંથી ૫૪૮ના મૃત્યુ થયા છે અને તેનો મૃત્યુદર ૪.૨૩ ટકા છે.

કયા રાજ્યોમાં કોરોનાથી વધુ મૃત્યુ દર?

રાજ્ય                 કેસ              મૃત્યુ     મૃત્યુદર

પશ્ચિમ બંગાળ   ૧૨૫૯         ૧૩૩   ૧૦.૫૦

મધ્ય પ્રદેશ       ૨૮૩૭          ૧૫૬   ૫.૫૬

ગુજરાત           ૫૮૦૪            ૩૧૯   ૫.૫૦

મહારાષ્ટ્ર          ૧૨૯૭૪        ૫૪૮   ૪.૨૩

રાજસ્થાન         ૩૦૧૬           ૭૫     ૨.૪૮

દિલ્હી                ૪૫૪૯           ૬૪     ૧.૪૯

(* મૃત્યુઆંક ૫૦થી વધુ હોય તેવા રાજ્યો.)

છેલ્લા ૧૦ દિવસમાં નોંધાયેલા મૃત્યુ?

તારીખ            ગુજરાત        અમદાવાદ

૨૫ એપ્રિલ        ૦૬               ૦૪

૨૬ એપ્રિલ       ૧૮                ૧૮

૨૭ એપ્રિલ       ૧૧                ૦૫

૨૮ એપ્રિલ       ૧૯                ૧૯

૨૯ એપ્રિલ       ૧૬               ૧૪

૩૦ એપ્રિલ       ૧૭               ૧૫

૧ મે                  ૨૨              ૧૬

૨ મે                 ૨૬              ૨૦

૩ મે                 ૨૮             ૨૩

૪ મે                  ૨૯            ૨૬

કુલ                 ૧૯૨         ૧૬૦