બોક્સ ઓફિસ પર ચાલ્યો સારા-કાર્તિકની જોડીનો જાદૂ, ‘લવ આજકલ’ ને મળી જબરજસ્ત ઓપનિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2020 05:42 PM (IST)
‘લવ આજકલ’ ફિલ્મ કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
મુંબઈ : કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘લવ આજકલ’ને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ મળી છે. આ સાથે કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘લવ આજકલ’ ફિલ્મે પ્રથમ દિવસે 12.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે વિકેન્ડમાં ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની કમાણી અંગે જાણકારી આપી છે. 12 કરોડથી વધુ કમાણી સાથે આ ફિલ્મ કાર્તિક આર્યનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા કાર્તિકની ફિલ્મ પતિ પત્ની અને વો એ પહેલા દિવસે 9.10 કરોડ રૂપિયાની ઓપનિંગ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રિલીઝ થયાના થોડા ક જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ ગઈ હતી. આ ફિલ્મને તમિલ રૉકર્સ દ્વારા લીક કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મ વર્ષ 2009માં આવેલી ‘લવ આજકલ’ની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થઈ છે.