Saif Ali Khan Attacker Identity: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર વ્યક્તિ મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે મોડી રાત્રે થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પોતાની ઓળખ યોગ્ય રીતે જાહેર કરવા તૈયાર નથી. તે પોતાના બે નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

 મુંબઈ પોલીસે પુષ્ટિ કરી હતી કે, આરોપી વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઈલ્યાસ સહિત અનેક નામોનો ઉપયોગ કરી રહ્યો હતો. હવે માહિતી સામે આવી છે કે આરોપીનું નામ મોહમ્મદ આલિયાન ઉર્ફે બીજે છે. પકડાઈ જવાના ડરથી તે પોતાનું ખોટું નામ વિજય દાસ રાખતો હતો. પૂછપરછ દરમિયાન હુમલાખોરે કબૂલ્યું હતું કે તે સૈફ અલી ખાનના ઘરે ચોરી કરવા ગયો હતો.

 આરોપી ક્યાં કામ કરે છે?

હુમલાખોર પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ પશ્ચિમ બંગાળ જવાની ફિરાકમાં હતો.  આરોપી થાણેમાં રિકીઝ બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી અહીં આવ્યો હતો અને કામદારોની વચ્ચે છુપાયો હતો. તે એક વર્ષ પહેલા અહીં કામ કરતો હતો. બાંદ્રા પોલીસ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરશે.

સૈફ અલી ખાન ખતરાની બહાર

15 જાન્યુઆરીના રોજ આરોપી મોહમ્મદ આલિયાને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. અભિનેતાને તેની ગરદન, હાથ અને કરોડરજ્જુ પર ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, સૈફની કરોડરજ્જુમાં ચાકુનો એક ભાગ તૂટી ગયો હતો, જેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. હાલમાં અભિનેતા ખતરાની બહાર છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.