નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતે ગુરુવારે ચૂંટણી લડવાના અહેવાલને ફગાવી દેતા તેને અફવા ગણાવ્યા હતા. થોડા દિવસ પહેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, માધુરી ભાજપની ટિકિટ પર મહારાષ્ટ્રની પુણે લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા માધુરીએ ગુરુવારે કહ્યું કે, હું કોઈપણ રાજનીતિક પક્ષ સાથે જોડાઈ નથી અને ન તો આ વખતે કોઈ સીટ પરથી ચૂંટણી લડી રહી છું.




એક ઇન્ટરવ્યુમાં માધુરી દિક્ષિતે કહ્યું કે મારા રાજકારણમાં આવવાની વાત અફવા છે. હું કોઈ રાજકીય પક્ષ માટે ચૂંટણી નથી લડી રહી. મેં આ બાબત પર પહેલેથી જ મારો ઇરાદો સાફ કરી દીધો છે. મને લાગે છે કે એક્ટિંગ ક્ષેત્રથી એવા ત્રણ લોકો છે જેના વિશે અફવા ફેલાયેલી છે. મેં આ વિશે પહેલેથી જ પોતાના વિચારો સ્પષ્ટ કરી દીધા છે.



માધુરી દીક્ષિત પહેલા સંજય દત્તને લઇને પણ લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી ચૂંટણી લડશે. જેના પછી સંજય દત્તે ટ્વીટ કરી જણાવ્યું કે આ વાતો માત્ર અફવા છે. તેમણે લખ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં મારા ઊભા રહેવાની ચર્ચાઓ ખોટી છે. હું મારા દેશ સાથે છું અને મારી બહેન પ્રિયા દત્તને સપોર્ટ કરી રહ્યો છું.