મુંબઈઃ બિગ બોસ 13ની વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક મધુરિમા તુલીએ હાલમાં જ તેના બાળપણનો એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો હતો. તેણે જણાવ્યું કે, તે બાળપણમાં છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી. હવે માધુરીમાની માતાએ પણ તેની પુત્રી સાથેની ઘટના અંગે ખુલ્લેઆમ વાત કરી છે. એક વાતચીતમાં મધુરિમાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી 12 વર્ષની ઉંમરે છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી.


સ્પોટબોય સાથે વાતચીત કરતી વખતે મધુરિમાની માતાએ જણાવ્યું કે, જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે છેડતી અને જાતીય શોષણનો ભોગ બની હતી. તેમણે કહ્યું કે, ‘મને નવાઈ લાગે છે કે મધુરિમાએ આ બાબતે વાત કરી. જે કંઈ થયું તેના વિશે વિચારીને મને હજું તકલીફ થાય છે. તે ઘટના ડરામણી હતી. મધુરિમા તે વાતને હજુ નથી ભૂલી’.



મધુરિમાની માતાએ કહ્યું, એક શિક્ષક ઘરે આવતો હતો અને મધુરીમા તેમજ તેનો નાનો ભાઈ શ્રીકાંત તેની પાસે ભણતા હતા. શિક્ષકે થોડો સમય ભણાવ્યા પછી, મધુરીમા રૂમની બહાર નીકળી જતી હતી. તે ફરિયાદ કરતી કે, શિક્ષક તેને પીઠ અને પગમાં પીંચ કરી રહ્યો છે. પહેલા મને લાગ્યું હતું કે તે ભણવાનો કંટાળો આવે એ માટે આ બધું કરી રહી છે. પરંતુ પછી જ્યારે મને હકિકતની ખબર પડી ત્યારે મેં શિક્ષકને કાઢી મૂક્યો.

મધુરિમાની માતાએ તેમ પણ કહ્યું કે, તે શ્રીકાંત અને મધુરિમાને એવી રીતે બેસાડતો જેથી શ્રીકાંત જોઈ ન શકે કે તે તેની બહેનને અડપલા કરી રહ્યો છે. શનિવારના એપિસોડમાં બિગ બોસ 13ના ઘરમાં દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી અને લક્ષ્મી અગ્રવાલ છપાક ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. જ્યાં લક્ષ્મીની સ્ટોરી સાંભળીને ઘરવાળા ઈમોશનલ થઈ ગયા હતા.