મુંબઈ: ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બીસીસીઆઈના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં છવાઈ ગયો હતો. બુમરાહને 2018-19માં અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર અને દિલીપ સરદેસાઈ એવોર્ડ આપવામાં આવ્યો છે. પોલી ઉમરીગર ટ્રોફી સર્વશ્રેષ્ઠ અંતરરાષ્ટ્રીય ક્રિકેટરને આપવામાં આવે છે. તેની સાથે પ્રશસ્તિ પત્ર, ટ્રોફી અને 15 લાખ રૂપિયાની ઈનામી રાશિ પણ મળે છે.




દિલીપ સરદેસાઈ એવોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર અને સર્વોચ્ચ રન બનાવનારા ખેલાડીને આપવામાં આવે છે. બુમરાહે 6 મેચમાં 34 વિકેટ ઝડપી જેમાં તે ત્રણ વખત ઈનિંગમાં પાંચ અથવા તેના કરતા વધારે વિકેટ ઝડપવામાં સફળ થયો છે.

જસપ્રીત બુમરાગહે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝમાં એક ઈનિંગ દરમ્યાન પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કર્યુ અને આ ઉપલબ્ધિ મેળવનારો પ્રથમ અને એકમાત્ર એશિયન બોલર બન્યો છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે. બુમરાહે જમૈકાનાં સબિના પાર્કમાં પોતાની હેટ્રિકથી વેસ્ટઈન્ડિઝની બેટિંગ લાઈનઅપના ધજાગરા ઉડાવ્યા હતા, એવું કરનારોએ ત્રીજો ભારતીય બોલર છે.